શ્રીમંતોની યાદીમાં 29મા ક્રમાંકે સરક્યા ગૌતમ અદાણી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી –બંને વિશ્વના શ્રીમંતોની યાદીમાં નીચલા ક્રમે જઈ રહ્યા છે. ગૌતમ અદાણી હવે આ યાદીમાં નીચે સરકીને 29મા ક્રમે પહોંચી ગયા છે.  જ્યારે મુકેશ અંબાણી હવે 12મા ક્રમે પહોંચી ગયા છે. બંનેની નેટવર્થંમાં ઘટાડો થયો છે. એમાં સૌથી વધુ નુકસાન ગૌતમ અદાણીને થયું છે. અદાણી ગ્રુપના શેરોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.

જોકે એક સમયે તેમની નેટવર્થ ઘણી વધીને 150 અબજ ડોલરની નજીક પહોંચી હતી અને તેઓ વિશ્વના શ્રીમંતોની યાદીમાં બીજા ક્રમાંકે પહોંચ્યા હતા. એ ક્રમે પહોંચનારા તેઓ એશિયાના પહેલા વ્યક્તિ હતા, પણ આ વર્ષે તેમની નેટવર્થમાં ભારે ઘટાડો થયો હતો. અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગ રિસર્ચના 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપની સામે એક નકારાત્મક રિપોર્ટ જારી કર્યો હતો. ત્યાર બાદ ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

ગૌતમ અદાણી સતત અસ્ક્યામત ગુમાવી રહ્યા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ હવે 42.7 અબજ ડોલર રહી ગઈ છે. એ સાથે તેઓ બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં 29મા ક્રમે પહોંચી ગયા છે.  ગૌતમ અદાણી મુકેશ અંબાણીની તુલનાએ 14 ગણી મિલકત ગુમાવી ચૂક્યા છે.  બંને અબજોપતિ આ વર્ષે અત્યાર સુધી મિલકત ગુમાવવાની યાદીમાં પહેલા અને બીજા ક્રમાંકે પહોંચી ચૂક્યા છે. એટલે ગૌતમ અદાણીની નેટવર્થમાં 3.39 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ સાથે મુકેશ અંબાણી પણ 12મા ક્રમાંકે પહોંચી ગયા છે.