ઈશા અંબાણીનાં નેતૃત્ત્વની કમાલ; કંપનીનું માર્કેટ મૂલ્ય રૂ.7,00,000 કરોડને પાર

મુંબઈઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી એમના રિલાયન્સ સામ્રાજ્યમાં અનેક વ્યાપારની લગામ ધીમે ધીમે એમના પરિવારની નવી પેઢીને સુપરત કરી રહ્યા છે. એમના પુત્રી ઈશા અંબાણી-પિરામલ રિલાયન્સ રીટેલ કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર છે. કોવિડ-19 મહામારીને કારણે અર્થતંત્ર મંદ પડી ગયું હતું, પરંતુ તાજેતરના સમયમાં રિલાયન્સ રીટેલ કંપનીએ જબરદસ્ત હરણફાળ ભરી છે.

રોઈટર્સ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, રિલાયન્સ રીટેલનું માર્કેટ મૂલ્ય, જે 2020માં 57 અબજ ડોલર (રૂ. 7,60,062 કરોડ) હતું, તે હવે વધીને 92-96 અબજ ડોલર (રૂ. 7,94,265 કરોડ) થઈ ગયું છે, એવું બે વૈશ્વિક કન્સલ્ટન્ટ કંપની – BDO અને EYએ હાથ ધરેલા સર્વેક્ષણના તારણ પરથી જાણવા મળ્યું છે. સર્વેના આ મૂલ્યાંકન પરથી એવો નિર્દેશ મળી શકે છે કે કંપની નજીકના ભવિષ્યમાં જાહેર ભરણું લાવી શકે છે.

રિલાયન્સ રીટેલમાં કેકેઆર, સાઉદી પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ, જનરલ એટલાન્ટિક અને મુબાદલા (યૂએઈ) જેવા દિગ્ગજ ઈન્વેસ્ટરોએ હિસ્સો ખરીદ્યો છે. કંપની આ ઉપરાંત બર્બેરી, ટીફેની જેવી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી પણ કરી રહી છે. શેરબજારોમાં રિલાયન્સ રીટેલનો શેર હાલ લિસ્ટેડ નથી. EYના કહેવા મુજબ રિલાયન્સ રીટેલના શેરની કિંમત રૂ. 884.03 છે જ્યારે BDOના કહેવા મુજબ આ કિંમત રૂ. 849.08 છે.