નવી દિલ્હીઃ લોકડાઉન વૈશ્વિક અર્થતંત્રોને ભારે પડી રહ્યું છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે એ ઘણું લકી સાબિત થઈ રહ્યું છે. રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સે પાંચ અમેરિકી કંપનીઓ સાથે આશરે 78,562 કરોડ રૂપિયાના મૂડીરોકાણના સોદા કર્યા છે. હવે અમેરિકી દિગ્ગજ ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (RIL)ની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિ.માં 2.5 ટકા હિસ્સો લે એવી સંભાવના છે. આ માટે માઇક્રોસોફ્ટ RILની સાથે વાટાઘાટ કરી રહી છે. આ મામલાથી પરિચિત બે સૂત્રોએ આ વાત કરી હતી. જોકે બંને કંપનીઓએ આ મૂડીરોકાણ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
આશરે રૂ. 15,000 કરોડના રોકાણની શક્યતા
રિલાયન્સની સાથેની વાતચીતમાં માઇક્રોસોફ્ટ જિયો પ્લેટફોર્મ્સમાં અઢી ટકા હિસ્સો ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. માઇક્રોસોફ્ટ જિયોમાં બે અબજ ડોલર એટલે કે રૂ. 15,000 કરોડનું રોકાણ કરે એવી શક્યતા છે. જોકે બીજા સૂત્રએ કહ્યું હતું કે માઇક્રોસોફ્ટ પહેલેથી જ જિયો પ્લેટફોર્મ્સની સાથે જોડાયેલી છે અને તે હવે પોતાની ભાગીદારી મજબૂત કરવા ઇચ્છે છે.
ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ-રિલાયન્સ જિયોમાં ભાગીદારી
આ વર્ષે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ રિલાયન્સ જિયોની સાથે ભાગીદારીની ઘોષણા કરી હતી. આ પાર્ટનરશિપ હેઠળ રિલાયન્સ જિયો દેશભરમાં ડેટા સેન્ટર સ્થાપિત કરશે. આ માટે માઇક્રોસોફ્ટ એજ્યુરની સેવાઓ લેશે.
જિયો પ્લેટફોર્મ્સને અત્યાર સુધી રૂ. 78,562 કરોડનું રોકણ મળ્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ પ્લેટફોર્મ્સને અત્યાર સુધી 17.12 ટકા હિસ્સા માટે રૂ. 78,562 કરોડનું રોકાણ મળી ચૂક્યું છે. આમાં ફેસબુકે રૂ. 43,574 કરોડ, સિલ્વર લેકનું રૂ. 5656 કરોડ, વિસ્ટા ઇક્વિટીનું રૂ. 11,367 કરોડ, જનરલ એટલાન્ટિકનું રૂ. 6598 કરોડ અને કેકેઆરનું રૂ. 11,367 કરોડનું રોકાણ સામેલ છે.
RILની ડિજિટલ સબસિડિયરી છે જિયો પ્લેટફોર્મ્સ
જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ પેટાકંપની છે, આ કંપની RIL ગ્રુપના ડિજિટલ બિઝનેસ એસેટ્સ જેવી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ, જિયો એપ્સ અને હેપ્ટિક, રિવાયર, ફાઇન્ડ, નાઉફ્લોટ્સ, હૈથવે અને ડૈન સહિત અન્ય એન્ટિટીમાં રોકાણનું સંચાલન કરે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગયા વર્ષના ઓગસ્ટમાં RILને માર્ચ, 2021 સુધી નેટને આધારે દેવાંમુક્ત કંપની બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાઉદી અરામ્કો સહિત કેટલીક કંપનીઓને હિસ્સો વેચવાને કારણે દેવાંમુક્ત થવાનું લક્ષ્ય આ વર્ષે ડિસેમ્બરમાં જ પૂરું થવાની આશા છે.
રિલાયન્સ પર માર્ચમાં 1,61,035 કરોડનું દેવું
માર્ચ ત્રિમાસિકને અંતે રિલાયન્સ પર રૂ. 3,36294 કરોડનું દેવું હતું. ત્યારે કંપનીની પાસે રૂ. 1,75,259 કરોડની રોકડ હતી. દેવાંને રોકડ સાથે એડજસ્ટ કર્યા બાદ કંપનીનું ચોખ્ખું દેવું રૂ. 1,61,035 કરોડ હતું. આમાં રિલાયન્સ પર રૂ. 2,62,000 કરોડના દેવાં અને જિયો પર રૂ. 23,000 કરોડનાં દેવાં બાકી છે.