લિન્ક્ડઇને 700 કર્મચારીઓની છટણી કરી

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટની માલિકીની સોશિયલ મિડિયા કંપની લિન્ક્ડઇને 716 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું છે. કંપનીએ ચીન સ્થિત જોબ એપ્લિકેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી હવે લિન્ક્ડઇનનું નામ પણ એ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, જે કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.

અમેરિકી કંપની લિન્ક્ડઇન તરફથી એ નિર્ણય એવા સમયે લીધો હતો, જ્યારે ગયા વર્ષે ત્રિમાસિક કંપનીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. કંપનીમાં આશરે 20,000 કર્મચારીઓ કામ કરે છે.  ટેક્નોલોજી ક્ષેત્રે છટણી પર નજર રાખતી એક વેબસાઇટ અનુસાર છેલ્લા છ મહિનામાં વૈશ્વિક સ્તરે 2,70,000થી વધુ ટેક્નોલોજી ક્ષેત્રે નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે.

કર્મચારીઓને લખેલા પત્રમાં CEO રાયન રોસલનસ્કાયએ કહ્યું હતું કે આ છટણી સેલ્સ, ઓપરેશન અને સપોર્ટ સ્ટાફમાંથી થઈ હતી. એનો ઉદ્દેશ કંપનીના ઓપરેશનને મજબૂત અને જલદી નિર્ણય લેવાવાળા બનાવવાનો છે. કંપનીએ કહ્યું હતું કે માર્કેટ અને ગ્રાહક માગમાં ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. એનાથી વિકાસશીલ અને ગ્રોથ માર્કેટ્સ પર નોંધપાત્ર અસર થઈ હતી. એ કારણે અમને વેન્ડર્સનો મહત્તમ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

સોશિયલ મિડિયા કંપની લિન્ક્ડઇન એડ સેલ્સ અને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન દ્વારા આવક કરે છે. એનો મોટે ભાગે ઉપયોગ કંપનીઓ યોગ્ય કર્મચારીઓ શોધવા અને કર્કિંગ પ્રોફેશનલ માટે યોગ્ય નોકરીની તપાસ કરવા માટે કરે છે. રોસલનસ્કાયએ પત્રમાં કહ્યું હતું કે કંપનીએ થયેલા ફેરફારોને કારણે આશરે 250 જોબ્સ પેદા થશે અને છટણી કરેલા કર્મચારીઓ આ નોકરી માટે અરજી કરી શકે છે.