આઇસી15 ઇન્ડેક્સ 755 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ બિનાન્સે વોલ્યુમ વધી ગયાનું કારણ આપીને બિટકોઇનનો ઉપાડ કરવાનું અટકાવી દીધું એની અસર તળે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના બધા જ ઘટકો ઘટ્યા હતા, જેમાંથી એક્સઆરપી, શિબા ઇનુ, પોલકાડોટ અને અવાલાંશ 3થી 5 ટકાની રેન્જમાં સૌથી વધુ ઘટેલા કોઇન હતા.

દરમિયાન, ન્યૂ યોર્કના એટર્ની જનરલે રોકાણકારો અને ગ્રાહકોનું રક્ષણ કરવાની દૃષ્ટિએ ક્રીપ્ટોકરન્સી માટે ચુસ્ત અને સર્વાંગી નિયમન કાયદા ઘડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો ગ્રાહકો અને રોકાણકારો દગાબાજીનો ભોગ બને તો એક્સચેન્જોએ એમને નુકસાન ભરપાઈ કરી આપવું એવી જોગવાઈ કરવાનો આ કાયદાના મુસદ્દામાં પ્રસ્તાવ છે. અમેરિકન સરકારે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી સહિતની અદ્યતન ટેક્નોલોજી માટે રાષ્ટ્રીય ધારાધોરણો જાહેર કર્યાં છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.93 ટકા (755 પોઇન્ટ) ઘટીને 38,320 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,075 ખૂલીને 39,299ની ઉપલી અને 38,027 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.