રાજસ્થાનમાં જમ્મુ-કાશ્મીર કરતાં વધુ લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો

જયપુરઃ રાજસ્થાનમાં મોટા પાયે લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. આ ભંડાર એટલો મોટો છે કે એમાં દેશની 80 ટકા માગને પૂરી કરવાની ક્ષમતા છે. રાજસ્થાન સરકારના અધિકારીઓ અને જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ના રિપોર્ટ્સ મુજબ નાગૌર જિલ્લાના ડેગાના નગરપાલિકામાં લિથિયમનો પર્યાપ્ત ભંડારની ઓળખ કરવામાં આવી છે. લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીમાં થાય છે. હાલ વિદેશોમાંથી એને આયાત કરવામાં આવે છે, પણ હવે ભારતમાં એનો ભંડાર મળવાથી EV ઇન્ડસ્ટ્રીને એનો મોટો લાભ થશે.

જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ફેબ્રુઆરી, 2023માં લિથિયમનો ભંડાર મળ્યો હતો. જોકે રાજસ્થાનમાં એ ભંડારમાં જમ્મુ-કાશ્મીરમાં મળી આવેલા 5.9 મિલિયન ટનની તુલનાથી ઘણો વધુ લિથિયમ છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં મળેલા ભંડારનો લિથિયમ દેશમા આશરે 80 ટકા માગ અને જરૂરતને પૂરી કરી શકે છે. લિથિયમ વિશ્વભરમાં સૌથી હલકી અને સૌથી નરમ ધાતુ છે. એ કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં બદલી કાઢે છે અને EV બેટરીઓમાં મુખ્ય કોમ્પોનન્ટ્સમાંનો એક છે.

અત્યાર સુધી ભારત લિથિયમ જેવા ખનિજો જેવા નિકલ અને કોબાલ્ટ માટે આયાત પર નિર્ભર છે. ભારતમાં લિથિયમનો ભંડાર મળ્યા પછી હવે એના માટે વિદેશ પરની નિર્ભરતા ઓછી થવાની અપેક્ષા છે.  હાલમાં વિશ્વનો 47 ટકા લિથિયમ પ્રોડક્શન ઓસ્ટ્રેલિયામાં, 30 ટકા ચિલીમાં અને 15 ટકા ચીનમાં છે. ત્યાં મિનરલ્સનું 58 ટકા પ્રોસેસિંગ ચીનમાં, 29 ટકા ચિલીમાં અને 10 ટકા આર્જેન્ટિનામાં હોય છે.