ટિકિટોનું વેચાણ તાત્કાલિક બંધ કરવા ગો ફર્સ્ટને આદેશ

નવી દિલ્હીઃ સુરક્ષિત, કાર્યક્ષમ અને આધારભૂત રીતે વિમાન સેવા ચાલુ રાખવામાં નિષ્ફળ જવા બદલ ગો ફર્સ્ટ એરલાઈનને દેશની એવિએશન રેગ્યૂલેટર એજન્સી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ કારણદર્શક નોટિસ મોકલી છે. નિયામકે આ ઉપરાંત ગો ફર્સ્ટને આદેશ આપ્યો છે કે તે ટિકિટોનું વેચાણ નવો આદેશ ન મળે ત્યાં સુધી તાત્કાલિક રીતે બંધ કરી દે.

વાડિયા ગ્રુપની સસ્તા દરે વિમાન મુસાફરી કરાવનાર ગો એરલાઈન્સ (ઈન્ડિયા) લિમિટેડ કંપનીએ 12 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સને રદ કરી દીધી છે અને ભારત સરકારની સંસ્થા એનસીએલટીમાં નાદારી માટેની અરજી પણ નોંધાવી દીધી છે. આ એરલાઈન પાસે 54 વિમાન છે. એમાંના 27ને તેણે ગ્રાઉન્ડેડ કરી દેવા પડ્યા છે, કારણ કે તે માટેના એન્જિન્સની ડિલીવરી કરાઈ નથી. આમ, કાફલાના અડધા વિમાનો સાથે પોતે સંપૂર્ણ કામગીરી બજાવી શકે એમ નથી એવું તેણે જાહેર કર્યું છે. પરિણામે તેણે નાદારી નોંધાવવી પડી છે. તેમ છતાં બીજી બાજુ, એરલાઈનની વેબસાઈટ પરથી ભવિષ્યની તારીખો માટે ફ્લાઈટ્સનું બુકિંગ ચાલુ રખાયું હતું.