સુપ્રીમ કોર્ટે આનંદ મોહને છોડી મૂકવા બદલ બિહાર સરકારને નોટિસ પાઠવી

નવી દિલ્હીઃ આનંદ મોહનની મુશ્કેલીઓમાં ફરી એક વાર વધારો થયો છે.  બિહારના બાહુબલી અને ભૂતપૂર્વ સાંસદ આનંદ મોહનને જેલમાં છોડી મૂકવાને મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને આ મુદ્દે નોટિસ જારી કરી છે. આનંદ મોહન ગોપાલગંજના તત્કાલીન ડીએમ જી કૃષ્ણૈયાની હત્યાના દોષી છે. ડીએમનાં પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનની સમયથી પહેલાં છોડી મૂકવા મામલે નીતીશ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં જી કૃષ્ણૈયાનાં પત્ની ઉમા દેવીએ અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી થઈ હતી. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. કે. માહેશ્વરીની ખંડપીઠ કરી હતી.. હાલમાંમ જ નીતીશકુમારની સરકારે નિયમોમાં સંશોધન કરીને આનંદ મોહન સહિત 26 આરોપીઓને છોડી મૂક્યા હતા. બિહારની સહરસા જેલમાં આનંદ મોહન ઉંમરકેદની સજા ભોગવી રહ્યા હતા. આનંદ મોહનને જેલમાંથી છોડી મૂક્યા પછી રાજકીય ઘમસાણ પણ ખૂબ થયું હતું. ભાજપે નીતીશકુમાર પર આરોપ લગાવ્યો હતો કે આનંદ મોહનની આડમાં જે અન્ય 26 કેદીઓને છોડી મૂકવામાં આવ્યા હતા, એ બધા જંગલરાજના પુરાવા છે અને ફરી એક વાર બિહારમાં ગુંડારાજ આવવાનું છે.

જી કૃષ્ણૈયાની પત્ની અને પુત્રીએ પણ નીતીશકુમાર પર આ મામલે પુનર્વિચાર કરવાની અરજ કરી હતી અને કહ્યું હતું કે જો નીતીશકુમાર કોઈ પગલાં નહીં લે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે. કૃષ્ણૈયાની પુત્રીએ નીતીશકુમારના આદેશને ગેરકાયદે ગણાવ્યો હતો. બીજી બાજુ, આનંદ મોહનને છોડી મૂકવા બાબતે IAS લોબીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. વર્ષ 1994માં જી. કૃષ્ણૈયાની હત્યા એ વખતે થઈ હતી, જ્યારે તેઓ ગોપાલગંજના ડીએમ હતા. મુઝફ્ફરપુર મેંશવ યાત્ર દરમ્યાન જુલૂસ કાઢવા દરમ્યાન તેમના પર હુમલો થયો હતો. એ દરમ્યાન ભીડે મારપીટ કરીને તેમની હત્યા કરી દીધી હતી. જે પછી પોલીસે આનંદ મોહન સહિત છ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.