નવી દિલ્હીઃ કેન્દ્ર અને LG સાથે ઘર્ષણ થયા પછી દિલ્હીની કેજરીવાલ સરકારે બજેટ રજૂ કર્યું હતું. કેજરીવાલ સરકારે રૂ. 78,800 કરોડના બજેટમાં દિલ્હીના સૌદર્યકરણથી માંડીને સ્વચ્છ અને આધુનિક દિલ્હી પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કેટલીય જોગવાઈ કરવામાં આવી હતી. બજેટમાં શિક્ષણથી માંડીને આરોગ્ય અને ટ્રાન્સપોર્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. દિલ્હીના નાણાપ્રધાન કૈલાશ ગહેલોતે વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. એ બજેટ 2014-15ના રૂ. 30,940 કરોડના ખર્ચથી આશરે અઢી ગણો ખર્ચ વધારવામાં આવ્યો છે.
દિલ્હી સરકાર કુલ બજેટનો 27 ટકા MCD દ્વારા વિકાસકાર્યોમાં ખર્ચ કરશે. જે હેઠળ મોહલ્લા બસ શરૂ થશે, કચરાના પહાડ, સ્વચ્છતા કાર્યક્રમ, દરેક ઘરે સીવરથી એટેચ, સ્કૂલો અને શિક્ષણ સહિત કેટલાય પ્રકારનાં કાર્યો માટે ખર્ચ કરવામાં આવશે. દિલ્હીમાં 26 નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે.
દિલ્હીના રૂ, 78,800 કરોડના બજેટમાં સૌથી વધુઆશરે 27 ટકા MCDને ફાળવવામાં આવશે. MCDને કુલ રૂ. 21,000 કરોડની ફાળવવાનો પ્રસ્તાવ કર્યો છે. આ રકમમાંથી વિકાસ કાર્યો અને યોજનાઓનું સંચાલન કરવામાં આવશે. નાણાપ્રધાને MCD પછી શિક્ષણ ક્ષેત્રે રૂ. 16,575 કરોડનું બજેટ ફાળવ્યું છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે 12 નવી એપ્લાઇડ લર્નિંગ સ્કૂલનો પ્રારંભ થશે, જેમાં નવમાં ધોરણથી એડમિશન લેવામાં આવશે બધા ટીચર, વાઇસ પ્રિન્સિપાલ અને અન્ય ટીચિંગ સ્ટાફને નવા ટેબ્લેટ આપવામાં આવશે.
દિલ્હી સરકાર મોહલ્લા બસ યોજના શરૂ કરશે. આ યોજના પર રૂ. 3500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દિલ્હીમાં 1600 ઇલેક્ટ્રિક બસોને પણ ચલાવવાની ઘોષણા કરવામાં આવી હતી. દિલ્હીમાં કચરાના પહાડને ખતમ કરવા માટે રૂ. 850 કરોડ ખર્ચ કરવામાં આવશે. નાણાપ્રધાને કહ્યું હતું કે નવા ફ્લાયઓવર્સ માટે રૂ. 722 કરોડ ખર્ચ કરવામાં આવશે. શહેરમાં ત્રણ ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે.