જિયોની 5G ટેલિકોમ સેવા દિવાળીથી

મુંબઈઃ રિલાયન્સ જિયો કંપની તેની હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવા આ વર્ષના દિવાળી સુધીમાં શરૂ કરશે. આ સેવા મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈ જેવા અનેક મહત્ત્વના શહેરોમાં શરૂ કરાશે. કંપની તેનું 5G નેટવર્ક 2023ના ડિસેમ્બર સુધીમાં દેશના પ્રત્યેક નગર, તાલુકા સુધી પહોંચાડવા દ્રઢનિશ્ચયી છે. આ જાહેરાત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કંપનીની 45મી વાર્ષિક સામાન્ય સભામાં કરી હતી. અંબાણીએ શેરહોલ્ડરોને ઈન્ટરએક્ટિવ મેટાવર્સ ટેક્નોલોજી મારફત સંબોધિત કર્યા હતા.

અંબાણીએ એમ પણ કહ્યું કે જિયો કંપની 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 2 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. એજીએમનું રિલાયન્સ જિયોના પોતાની એચડી વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન જિયોમીટ ઉપરાંત જુદા જુદા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

3G અને 4Gની સરખામણીમાં, 5G ટેક્નોલોજીમાં વિલંબની સમસ્યા ઘણી ઓછી રહે છે. એને કારણે વપરાશકારોને અનેક સેક્ટરોમાં અનુભવ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ઓછા વિલંબની સવલત મળવાથી વધારે માત્રામાં ડેટા સંદેશા પ્રોસેસ કરવાની કાર્યક્ષમતા વધે છે. રિલાયન્સ જિયો, અદાણી ગ્રુપ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા કંપનીઓએ ભારતમાં 5G સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લીધો હતો.