નવી દિલ્હીઃ ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 25 મેથી ચાલુ કરવાની જાહેરાત કર્યાના ત્રણ દિવસ બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ આજે કહ્યું છે કે, ભારત ઓગસ્ટ પહેલાં જ પર્યાપ્ત સંખ્યામાં ઈન્ટનેશનલ ફ્લાઈટ્સ ફરીથી શરુ કરવાના પ્રયત્નો કરશે. કોરોના વાયરસ મહામારીને ફેલાતી રોકવા માટે કેન્દ્રએ ગઈ 25 માર્ચથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું અને ત્યારથી તમામ ફ્લાઈટ્સ સેવાઓ સ્થગિત કરી છે. પુરીએ એક ફેસબુક લાઈવ સત્ર દરમિયાન કહ્યું કે, મને પૂર્ણ આશા છે કે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર પહેલા આપણે પૂર્ણ સ્તરે નહીં તો પર્યાપ્ત સંખ્યામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ફરીથી શરુ કરવાના પ્રયત્નો કરીશું. આ માટે કોઈ ચોક્કસ તારીખ જણાવી શકું એમ નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ એમ કહે કે શું એ કામ ઓગસ્ટ કે સપ્ટેંબરમાં થઈ શકે છે તો મારો જવાબ હશે કે એની પહેલા કેમ નહીં અને એ બધું પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, વંદે ભારત મિશન અંતર્ગત 25 દિવસ દરમિયાન વિશેષ વિમાનો દ્વારા આશરે 50,000 નાગરિકોને પાછા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વંદે ભારત મિશનની શરુઆત 7 મેથી થઈ હતી. અત્યારસુધી આ મિશન અંતર્ગત એર ઈન્ડિયા અને તેની સહાયક એર ઈન્ડિયા એક્સપ્રેસ જ ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી છે.
મંત્રીએ જણાવ્યું કે, અમારો પ્રયત્ન છે કે, આ મહિનાના અંત સુધીમાં અમે 30,000 જેટલા ભારતીયોના આ કપરા સમયમાં વતન વાપસી કરાવીએ. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રાઈવેટ એરલાઈન્સે પણ પ્રસ્તાવ મોકલ્યો હતો જેને અમે સ્વીકાર્યો છે. જલ્દી જ વંદે ભારત ઓપરેશનમાં પ્રાઈવેટ એરક્રાફ્ટને પણ લાવવામાં આવશે.
