ટુરિઝમ, મનોરંજન, હોટેલ ક્ષેત્રે લાખો નોકરીઓ જોખમમાં

નવી દિલ્હીઃ મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજમાં કંઈ પણ રાહત ન મેળવી શકનાર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, રેસ્ટોરાં અને હોટેલ તથા મનોરંજન ક્ષેત્રોએ સરકારને કહ્યું છે કે બીજું કંઈ નહીં તો અમને એક વર્ષનો ‘ટેક્સ હોલિડે’ અને સોફ્ટ લોનની સુવિધા મળવી જોઈએ. આવું નહીં થાય તો આ સેક્ટરોમાં મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે. આનાથી કોવિડ-19 સંકટ અને લોકડાઉનના માહોલમાં દેશમાં બેરોજગારીમાં ઓર વધારો થવાની શક્યતા છે.

 

રાહત પેકેજમાં અમારા માટે કંઈ નહીં

આ ત્રણ સેક્ટરોના દિગ્ગજોએ સરકારને કહ્યું છે કે રાહત પેકેજની જે ઘોષણા થઈ છે, એમાં અમારા માટે કંઈ નથી. તેમનું કહેવું છે કે કેટલાક વેપાર-ધંધા લોકડાઉન 4.0માં પણ ખૂલી નથી શક્યા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ રીતે બંધ છે. રેસ્ટોરાંને માત્ર હોમ ડિલિવરીની છૂટ મળી છે. મલ્ટિપ્લેક્સ, સિનેમા હોલ ખોલવાની મંજૂરી નથી. સલૂન, વેલનેસ સેન્ટર બંધ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનાં કામકાજ ઠંડાં પડ્યાં છે. આવામાં કામ બંધ હોવાને કારણે મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે.

પેકેજ નહીં મળ્યું તો લાખો લોકોની નોકરી જશે

ટ્રાવેલ એજન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ જ્યોતિ માયલનું કહેવું છે કે આ સમયે ટુર અને ટ્રાવેલ્સ ક્ષેત્રની કંપનીઓની હાલત ઘણી ખરાબ છે. સરકારે કંઈક તો રાહત આપવી જોઈએ. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)નું કહેવું છે કે રાહત પેકેજ નહીં મળે તો માત્ર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરથી જ લાખો લોકો બેરોજગાર થઈ જશે.

ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં 20 લાખ નોકરીઓ પર જોખમ

CIIના અહેવાલ અનુસાર કોવિડ-19 સંકટનો સૌથી વધુ ઘાતક હુમલો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્ર પર પડ્યો છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનું કદ 18 લાખ કરોડ રૂપિયાનું છે. કોરોનાથી પહેલાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાં 5.5 કરોડ કર્મચારી હતા. કોરોના સંકટને પગલે આ ઇન્ડસ્ટ્રીઝમાં કરોડો લોકોની નોકરીઓ જવાની શક્યતા છે. આ જ રીતે દેશમાં રેસ્ટોરાં ક્ષેત્રનું કદ 4.2 લાખ કરોડ રૂપિયાનું છે. કોરોનાથી પહેલાં આ ક્ષેત્રમાં 73 લાખ કર્મચારીઓ હતા, જેમાંતી 20 લાખ નોકરીઓ જવાનો અંદાજ છે.

ફૂડ ડિલિવરી, એન્ટરટેઇન અને વેલનેસ જોબ્સ પર પણ જોખમ

આ જ પ્રકારે ફૂડ ડિલિવરી ક્ષેત્રનું કદ 48,000 કરોડ રૂપિયાનું છે. આમાં કર્મચારીઓ આશરે પાંચ લાખ છે. આ વ્યવસાયમાં આવકમાં 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. સિનેમા, એન્ટરટેઇનમેન્ટની વાત કરે તો એનું કદ 1.80 કરોડ રૂપિયાનું છે. કુલ કર્મચારી 70થી 80 લાખ છે.

આ જ રીતે દેશમાં સલૂન, બ્યુટી, વેલનેસ ઇન્ડસ્ટ્રીઝનું કદ એક લાખ કરોડ રૂપિયાનું છે. આમાં કુલ પાંચ કરોડ લોકોને રોજગાર મળે છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું કદ 10,000 કરોડ રૂપિયાનું છે. એ ત્રણ કરોડ લોકોને રોજગારી આપે છે. કોરોનાને કારણે આ ક્ષેત્રમાં 90 ટકા વેપાર-ધંધો ખતમ થઈ ગયો છે.

ટેક્સ હોલિડેની માગ

આ ત્રણે સેક્ટરે સરકારને કહ્યું છે કે તેમને બધા પ્રકારના ટેક્સ પર એક વર્ષનો ટેક્સ હોલિડે મળવો જોઈએ. ઇન્કમ ટેક્સ રિફંડ તરત મળવાં જોઈએ. ઇન્ડસ્ટ્રીને 10 વર્ષ માટે સોફ્ટ લોનની વ્યવસ્થા કરવામાં આવે. ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) દૂર કરવામાં આવે અને વ્યાજ ચૂકવવા માટે નવ મહિનાની મુદત મળે. ટુરિઝમ સેક્ટરથી જોડાયેલા સુનીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધી પર્યટકો આવવાની કોઈ આશા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]