લૉકડાઉનમાં નિહાળો OTT પ્લેટફોર્મ પર પ્રદર્શિત બોલિવૂડની નવી ફિલ્મો

નવી દિલ્હી: લૉકડાઉનમાં સિનેમા ઘરો બંધ છે. આ કારણે આ વ્યવસાયને મોટી ખોટ જઈ રહી છે. હોલિવૂડના નિર્માતાઓએ લૉકડાઉન ખુલવાની રાહ ન જોતાં પોતાની નવનિર્મિત ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રજૂ કરવાની શરૂઆત કરી દીધી છે. આ બાબતે આપણું ભારત પણ પાછળ નથી. અહીં પણ નવી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર પ્રદર્શિત થઈ ચૂકી છે.

‘ગુલાબો સિતાબો’ પછી વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘શકુંતલા દેવી’ જે ભારતની મહિલા ગણિતજ્ઞ શકુંતલા દેવીના જીવન ચરિત્ર પર આધારિત છે. તે પણ લૉકડાઉનને કારણે સિનેમાઘરોમાં પ્રદર્શિત ન થતાં એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. ‘શકુંતલા દેવી’ ફિલ્મમાં વિદ્યા બાલને ભારતની મહિલા ગણિતશાસ્ત્રી શકુંતલા દેવી કે જેઓ ‘માનવી કમ્પ્યુટર’ તરીકે ઓળખાતા હતા! તેમનું પાત્ર ભજવ્યું છે. આ ચલચિત્ર OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. પરંતુ કઈ તારીખે થશે એ હજુ નક્કી નથી થયું.

OTT પ્લેટફોર્મ એ એક ડાયરેક્ટ મીડિયા સર્વિસ છે. જે ઇન્ટરનેટના માધ્યમથી કમ્પ્યુટર અથવા મોબાઈલ એપ પર વિડિયો, ફિલ્મ વગેરે પ્રસારિત કરે છે. એમેઝોન પ્રાઈમ વિડીયો એ આવું જ એક OTT પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર ‘ગુલાબો સિતાબો’ બોલિવૂડની પહેલી ફિલ્મ રજૂ થઈ. હવે ‘શકુંતલા દેવી’ પણ રજૂ થશે. એમેઝોન પ્રાઈમ વિડીયોએ આ બાબતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ‘શકુંતલા દેવી બાયોપિકનું પ્રીમિયર ૨૦૦ જેટલાં દેશોમાં તેમજ આ ક્ષેત્રની વ્યક્તિઓ માટે થોડી અલગ પદ્ધતિથી કરવામાં આવશે.’

શકુંતલા દેવી માનવ કમ્પ્યુટર તરીકે જાણીતા છે. તેઓ બાળપણથી ઘણા પ્રતિભાશાળી હતા. એમનામાં રહેલી અદભૂદ ગણિત પ્રતિભાને કારણે તેમનું નામ 1982માં ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયું છે.

બાળપણમાં જ તેમની ગણતરી કરવાની ક્ષમતા એક વિદ્વાન ગણિતશાસ્ત્રીને છાજે તેવી હતી. માત્ર થોડી જ સેકંડોમાં શકુંતલા દેવી અઘરામાં અઘરા ગણિતના કોયડાનો ઉકેલ આપી દેતા હતા. કમ્પ્યુટર તેમજ કેલ્ક્યૂલેટરથી પણ તેજ તેમનું મગજ કામ કરતું હતું! ફિલ્મમાં શકુંતલા દેવીનું પાત્ર અભિનેત્રી વિદ્યા બાલન ભજવે છે. તો સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની પુત્રીની ભૂમિકામાં છે. અન્ય કલાકારોમાં અમિત સાધ અને જીસ્શૂ સેનગુપ્તા છે.

ફિલ્મ નિર્માતા સોની પિક્ચર્સ નેટવર્ક છે. તેમજ દિગ્દર્શિકા અનુ મેનન છે. પટકથા અનુ મેનન તેમજ નયનિકા મહેતાએ લખી છે. સંવાદ ઈશિતા મેઈતરાસના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]