ઈંડિગોએ ગ્રાહક સેવા, ટિકિટ બુકિંગ માટે શરૂ કર્યું GPT4-સંચાલિત AI-ચેટબોટ

નવી દિલ્હીઃ ઈંડિગો એરલાઈને જુદી જુદી 10 ભાષાઓમાં પ્રવાસીઓના સવાલોના જવાબ આપવા માટે GPT-4 ટેક્નોલોજી સંચાલિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ, 6Eskai લોન્ચ કર્યું છે. પોતાના સમગ્ર નેટવર્ક પર ટિકિટ બુકિંગ કામગીરી માટે આ પ્રકારના પ્લેટફોર્મને રજૂ કરનાર દેશની આ પહેલી જ એરલાઈન છે.

એરલાઈનનાં પ્રવક્તાનું કહેવું છે કે આ AI ચેટબોટ ઈંડિગોની ડિજિટલ ટીમ દ્વારા માઈક્રોસોફ્ટના સહકારમાં સંપૂર્ણપણે ઈન-હાઉસ ડેવલપ કરવામાં આવ્યું છે. આ ચેટબોટ ઈંડિગોની એક મહત્ત્વની સિદ્ધિ છે. આ સફળતા સાથે, ઈંડિગો પ્રવાસીઓને સુખદ અનુભવમાં વધારો કરવા માટે અદ્યતન એવી AI ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર આ વિસ્તારની પ્રથમ એરલાઈન બની છે.

આ નવી સેવા લોન્ચ થયા બાદ એરલાઈનના ગ્રાહક સેવા એજન્ટ પર કામનો બોજો 75 ટકા જેટલો ઘટી જશે અને બોટની અસરકારકતા અને કાર્યક્ષમતા જોવા મળશે. AI ચેટબોટ 1.7 ટ્રિલિયન પેરામીટર્સનું છે જેના કારણે સવાલોના જવાબ વિવિધ પ્રકારે અને ખૂબ જ સરળતાથી આપી શકાય છે. ઈંડિગોના ડેટા વૈજ્ઞાનિકોની ટીમે જનરેટિવ પ્રીટ્રેન્ડ ટ્રાન્સફોર્મર્સ (જીપીટી) પર ઊંડું સંશોધન કરીને બોટનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે.