મુખ્ય મંત્રીએ જેટ્રોને વાઇબ્રન્ટ ગુજરાતમાં જોડાવાનું આમંત્રણ આપ્યું

ગાંધીનગરઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ડેલિગેશન સાથેના જાપાન પ્રવાસના બીજા દિવસે જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના પ્રેસિડન્ટ શ્રીયુત સુસુમુ કટાઓકા સાથે ફળદાયી બેઠક યોજી હતી. જેટ્રોએ જાપાન અને વૈશ્વિક વેપાર સમુદાય વચ્ચે આર્થિક ભાગીદારી અને સહયોગ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં, ગુજરાતમાં પણ જેટ્રો લાંબા સમયથી સહયોગી રહ્યું છે. તેની આ બેઠકમાં વિશદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

મુખ્ય મંત્રીએ જાપાની ઉદ્યોગો કંપનીઓને રાજ્યમાં રોકાણો માટે આકર્ષિત કરવા અને સહાયરૂપ થવા જેટ્રોએ અમદાવાદમાં બિઝનેસ સપોર્ટ સેન્ટર શરૂ કર્યું છે, એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન અને મેડિકલ ડિવાઇસિસ જેવાં સેક્ટર્સમાં અગ્રેસર બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે.

આ સંદર્ભમાં જેટ્રો સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બલ્ક ડ્રગ, મેડિકલ ડિવાઇસિસ, સિરામિક એન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં રોકાણો આકર્ષવામાં સહભાગી થઈ શકે તેમ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

જેટ્રોના પ્રેસિડેન્ટ અને પદાધિકારીઓએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્ની અંગે જાણવામાં ઉત્સુકતા દર્શાવી હતી અને જેટ્રો ગુજરાત સાથે સંબંધો વ્યાપક બનાવવા તત્પર હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે જેટ્રોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.