IPL 2024 પહેલાં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં પરત

મુંબઈ: MI પલટન ફેન્સનો હંમેશને માટે મનપસંદ ખેલાડી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2024 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ફરી જોડાઈ જશે. તેણે છેલ્લી બે સીઝન ગુજરાત માટે કેપ્ટન તરીકે રમી હતી. આ દરમિયાન પંડ્યાએ ટીમને એક વાર ચેમ્પિયન બનાવીને એક વખત ટીમ રનર્સઅપ રહી હતી. પંડ્યાને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ટ્રેડ કર્યો હતો.

નીતા એમ. અંબાણીએ કહ્યું હતું કે હાર્દિકને ઘરે પાછો આવકારતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. મુંબઈ ઇન્ડિયન્સના અમારા પરિવાર સાથે આ એક હ્રદયસ્પર્શી પુનર્મિલન છે. મુંબઈ ઇન્ડિયન્સની યુવા પ્રતિભા બનવાથી લઈને હવે ટીમ ઇન્ડિયાના સ્ટાર બનવા સુધી હાર્દિકે ઘણી લાંબી મજલ કાપી છે તથા તેના અને મુંબઈ ઇન્ડિયન્સના ભાવિ માટે અમે ઉત્સાહિત છીએ.

હાર્દિકની વાપસી વિશે બોલતાં આકાશ અંબાણીએ કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પાછો ફરતાં મને ખૂબ આનંદ થાય છે. આ એક સુખદ ઘરવાપસી છે. તે જે પણ ટીમ માટે રમે છે તેને શ્રેષ્ઠ સંતુલન પૂરું પાડે છે. MI પરિવાર સાથે હાર્દિકનો પ્રથમ કાર્યકાળ ખૂબ જ સફળ રહ્યો હતો અને અમે આશા રાખીએ છીએ કે તેના બીજા કાર્યકાળમાં તે વધુ સફળતા હાંસલ કરશે.

હાર્દિક #OneFamilyમાં પરત ફરતાં તે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને ટીમ સાથે રમશે. આ અગાઉ તે MI માટે રમીને પ્રસિદ્ધિમાં આવ્યો અને તે પછી 2016માં તેણે ભારતીય ટીમમાં પદાર્પણ કર્યું હતું.ભારતના અગ્રણી ઓલરાઉન્ડરે 2015થી 2021 વચ્ચે IPLમાં MIના ચાર ટાઇટલ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.