બાળકોની ચોરીઃ મહારાષ્ટ્રમાં વધુ 2ની ધરપકડ; કુલ 10 બદમાશ પકડાયા

મુંબઈઃ ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અમલદારોએ બાળકોની ચોરી કરતી ટોળકી વિરુદ્ધ જોરદાર કાર્યવાહી શરૂ કરી છે. એમણે વધુ બે જણની ધરપકડ કરી છે. આમાંના એક જણને મુંબઈ નજીકના વિરારમાંથી અને બીજાને ચિપલુણમાંથી પકડ્યો છે. આ સાથે આ ગેરપ્રવૃત્તિ કરનાર કુલ 10 જણ પકડાયા છે. આ બદમાશો બાળકોને ઉપાડી જઈ એમને વેચી દેતા હતા.

બાળકોની ચોરીની ગુનાઈત પ્રવૃત્તિનું નેટવર્કનું મૂળ મુંબઈના અંધેરી ઉપનગરમાં હોવાનું માલૂમ પડ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા એક દંપતીની ધરપકડ કરાતા ચોંકાવનારી વિગતો પોલીસને જાણવા મળી છે. ગુનેગાર પતિ-પત્ની બાળકોની હેરાફેરી કરતી એક ટોળકી સાથે સંકળાયેલા છે. લૂખ્ખા-બદમાશો મારફત બાળકોને ઉઠાવી લેવાયા બાદ પતિ-પત્ની હરામખોરોની ટોળકીને વેચી દેતા હતા. પોલીસો આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છે. એમનો ઉદ્દેશ્ય ઉપાડી જવાયેલા બાળકોને ગેરકાયદેસર કસ્ટડીમાંથી બચાવવાનો અને એમના માતાપિતાને પરત કરવાનો છે. આ દાણચોરીમાં સંડોવાયેલા લોકોને પકડીને જેલભેગા કરવામાં આવશે.