ઉત્તરકાશી ટનલ બચાવકાર્ય: વર્ટિકલ ડ્રિલિંગમાં પ્રગતિ, બે દિવસમાં ખુશખબરની ધારણા

ઉત્તરકાશી (ઉત્તરાખંડ): ગઈ દિવાળીના દિવસથી અહીંની બાંધકામ હેઠળની સિલક્યારા ટનલમાં ફસાઈ ગયેલા 41 કામદારોને બચાવવાની કામગીરીનો આજે 16મો દિવસ છે. મોટી ભેખડ (પહાડ) ધસી પડવાને કારણે ટનલનું પ્રવેશદ્વાર બંધ થઈ ગયું છે અને કામદારો અંદર ફસાઈ ગયા છે. પહાડની ટોચ પરથી વર્ટિકલ (ઊભું) ડ્રિલિંગ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 31 મીટરનું ડ્રિલિંગ કામ પૂરું થઈ ગયું છે. કામદારો 86 મીટરના અંતરે છે. કામદારોને બચાવવા માટે 1.2 મીટર ડાયામીટરની પાઈપલાઈન નાખવા માટે આ ડ્રિલિંગ વર્ક કરવામાં આવી રહ્યું છે.

હોરિઝોન્ટલ (આડા) ડ્રિલિંગ કામ માટે ઉપયોગમાં લેવામાં આવેલું અમેરિકન ઓગર મશીન તૂટી જતાં વર્ટિકલ ડ્રિલિંગનો વિકલ્પ હાથ ધરાયો છે. ટનલના કાટમાળમાં ફસાઈ ગયા બાદ ઓગર મશીનના ટૂકડા થઈ ગયા હતા. મશીન જ કાટમાળમાં ફસાઈ ગયું હતું. પણ એન્જિનિયરો તે મશીનને કાટમાળમાંથી હટાવી દેવામાં આજે સવારે સફળ થયા છે. હવે જો કોઈ અવરોધ ન આવે તો શ્રમિકો સુધી બે જ દિવસમાં પહોંચી શકાશે. વર્ટિકલ ડ્રિલિંગ કામ માટે 100 કલાકનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. દરમિયાન, લાઈફલાઈન (150 વ્યાસની પાઈપલાઈન) મારફત શ્રમિકોને નિયમિત રીતે તાજું તેમજ સૂકું ભોજન, ફળ, દવાઓ મોકલવામાં આવી રહ્યા છે.