મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારના મોટા ઉછાળા બાદ લગભગ અડધી વૃદ્ધિ ગુરુવારે ધોવાઈ ગઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.24 ટકા (1,228 પોઇન્ટ) ઘટીને 53,452 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 54,680 ખૂલીને 54,745ની ઉપલી અને 53,010 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. અનુક્રમે 5.57 અને 0.92 ટકા વધેલા અવાલાંશ અને કાર્ડાનોને બાદ કરતાં બધા જ કોઇન ઘટ્યા હતા. ડોઝકોઇન, શિબા ઇનુ, ચેઇનલિંક અને સોલાનામાં 3થી 9 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, અમેરિકાની સંસદના નીચલા ગૃહની સમિતિએ બ્લોકચેઇનતરફી ખરડો સર્વાનુમતે પસાર કર્યો છે. એ ખરડાને પગલે અમેરિકન વાણિજ્ય પ્રધાન બ્લોકચેઇન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપશે. બીજી બાજુ, ન્યૂ જર્સીએ રાજ્યમાં સંસ્થાકીય રોકાણકારોને ઇસ્યૂ કરવામાં આવતી તમામ વર્ચ્યુઅલ કરન્સીને સિક્યોરિટીઝ ગણવા માટેનો ખરડો રજૂ કર્યો છે.
અન્ય એક અહેવાલ મુજબ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સે ભારતમાં તમામ તાલીમાર્થીઓને સુરક્ષિત પ્રમાણપત્રો ઇસ્યૂ કરવા માટે અવાલાંશ સાથે સહયોગ સાધ્યો છે.
