RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યાઃ EMI નહીં ઘટે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહેશે. તેમણે કહ્યું હતું કે ઓક્ટોબરમાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. એથી હાલ હોમ લોનના હપતા નહીં વધે કે ઘટે. RBIના નિર્ણયને પગલે NSEનો નિફ્ટી50 ઇન્ડેક્સ સૌપ્રથમ વાર 21,000ને પાર થયો હતો.રિઝર્વ બેન્કે ત્રણ દિવસની મોનિટરી પોલિસી મિટિંગ પૂરી થયા પછી રેપો રેટને 6.50 ટકા યથાવત્ રાખ્યો છે. આ સતત પાંચમી વાર RBIએ રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો.

ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ અગાઉના 6.5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રાહક ભાવ આધારિત ફુગાવો (CPI) આધારિત છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. એ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છે. વ્યાજદરોમાં આજે ફેરફાર નહીં થવાને કારણે MSF રેટ અને બેન્ક  રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF 6.25 ટકા પર છે.

ચાલુ નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટેનો આર્થિક વિકાસ દર ૭.૪૦ ટકા રહ્યો છે જે રિઝર્વ બેન્કની અપેક્ષા કરતા સારો છે. ઓકટોબરમાં ફુગાવો ઘટીને ૪.૭૦ ટકા આવ્યો છે અને દેશનો આર્થિક વિકાસ દર પણ સાનુકૂળ સ્થિતિમાં છે ત્યારે વ્યાજ દરમાં હવે વધારો નહીં પરંતુ આવનારા દિવસોમાં ઘટાડો જોવા મળવાની સંભાવના વધી ગઈ છે એમ એક ફાઈનાન્સ કંપનીના એક્ઝિકયૂટિવ ચેરમેને અગાઉ જણાવ્યું હતું.