મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સામસામા પ્રવાહની વચ્ચે સાધારણ ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.45 ટકા (161 પોઇન્ટ) ઘટીને 35,462 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,623 ખૂલ્યા બાદ 35,713ની ઉપલી અને 35,174ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના બિટકોઇન સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. 2થી 3 ટકાની રેન્જમાં ઘટેલા ટોચના કોઇન અવાલાંશ, શિબા ઇનુ, પોલીગોન અને એક્સઆરપી હતા.
દરમિયાન, યુરોપિયન સેન્ટ્રલ બેન્ક ડિજિટલ યુરો નામની પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો નવો તબક્કો નવેમ્બરમાં શરૂ કરવા જઈ રહી છે. આ તબક્કામાં સીબીડીસીને લગતા નિયમો ઘડવામાં આવશે, ખાનગી ક્ષેત્રના સહયોગીઓની પસંદગી કરવામાં આવશે અને વધુ ટેસ્ટિંગ કરવામાં આવશે.
અન્ય નોંધનીય અહેવાલ મુજબ ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે બ્લોકચેઇન ટેક્નોલોજી અપનાવી છે. બીજી બાજુ, અવા લેબ્સ ભારતમાં બ્લોકચેઇન ક્ષેત્રના વિસ્તાર માટે વિવિધ સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ સાથે સહકાર સાધી રહી છે.