નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશમાં લાગુ કરાયેલા સંપૂર્ણ લોકડાઉનને લીધે માઇગ્રન્ટ્સ કામદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, કેમ કે લોકડાઉન બે મહિનાથી વધારે લંબાવવામાં આવ્યું હતું, પણ હવે રિવર્સ માઇગ્રેશનની અસર ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ખાસ કરીને એવા ઉદ્યોગોમાં જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી કામદારો કામ કરે છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આવી જ એક ઇન્ડસ્ટ્રીઝ છે. હવે અહીં કામદારોની અછત વર્તાવા માંડી છે.
લુધિયાણાથી માંડીને તિરુપુર સુધી કામદારોની અછત
લુધિયાણાથી માંડીને તિરુપુર સુધીના નિટવેર ઉદ્યોગમાં આજકાલ કામદારોની અછત વર્તાય છે. લોકડાઉનને કારણે કામદારોના ઘરે પરત ફરવાથી અહીંના યુનિટોમાં દરજીઓ અને ફિનિશિંગ કર્મચારીઓની ભારે અછત વર્તાય છે. ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો હિસ્સો જ્યાં મજૂરોનો વધુ પગાર અને ઇન્સેન્ટિવ આપીને બોલાવી રહ્યો છે, ત્યાં કેટલાક ઉદ્યોગપતિઓએ યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની સરકારનો સંપર્ક કર્યો છે. આ રાજ્યોમાંથી વધુ મજૂરો આવે છે. આ ઉદ્યોગ તેમને પાછા ફરવા માટે મનાવી રહ્યો છે.
કામદારોની ભારે અછત
ક્લોધિંગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનનું કહેવું છે કે કપડાં પર ઇસ્ત્રી કરવા અને એને પેક કરવાવાળા કામદારોની ભારે અછત વર્તાઈ રહી છે. દર્જીઓની અછત તો છે. ટેક્સટાઇલ યુનિટોમાં 70 ટકાથી વધુ લોકો કપડાં સીવવાના કામમાં લાગેલા હોય છે. પાંચથી સાત ટકા કામદાર કટિંગનું કામ કરે છે. 20 ટકા કામદાર ઇસ્ત્રી કરે છે અને પાંચ ટકા પેકિંગ કરે છે.
ગારમેન્ટ ઉદ્યોગમાં અડધાથી વધુ કામદારો પ્રવાસી છે
ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં કમસે કમ 1 કરોડ 20 લાખ લોકો કામ કરે છે. આમાં 50 ટકા પ્રવાસી મજૂરો હોય છે. મોટા ભાગના ટેક્સટાઇલ્સ યુનિટો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, પંજાબ અને યુપીના નોએડામાં આવેલા છે.
લોકડાઉન પછી ફેક્ટરીઓ હવે ખૂલવા લાગી છે, પણ કામ શરૂ થવા છતાં મજૂરોની અછત છે. હાલમાં નોએડામાં ટેક્સટાઇલ્સ યુનિટોમાં કામદારોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેટલાક યુનિટોએ બિહાર, બંગાળ અને ઝારખંડના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કામદારોને પરત કરવા પ્રેરિત કરવા કહ્યું હતું. આ યુનિટોનું કહેવું છે કે તેઓ કામદારોનું હવે વધુ ધ્યાન રાખશે અને તેમને વધુ પગાર અને ઇન્સેન્ટિવ મળશે.