નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાના વેચાણ માટે નાણાકીય બિડ્સ મગાવવાની પ્રક્રિયાનો કેન્દ્ર સરકારે આજે આરંભ કર્યો છે. આ સોદો આ જ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં પૂરો કરવામાં આવે એવી ધારણા છે. આર્થિક ખોટ કરી રહેલી એર ઈન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રુપે ગયા વર્ષના ડિસેમ્બરમાં પ્રાથમિક બિડ રજૂ કર્યું હતું. તે ઉપરાંત બીજી અનેક કંપનીઓ તરફથી પણ બિડ રજૂ કરવામાં આવ્યા છે.
હવે આ બિડ્સનું અવલોકન કરાયા બાદ પાત્ર ઠરેલા બિડર્સને એર ઈન્ડિયાના વર્ચ્યુઅલ ડેટા રૂમ (વીડીઆર)નો એક્સેસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઈન્વેસ્ટરોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. આ સોદો હવે નાણાકીય બિડ તબક્કામાં પહોંચ્યો છે. સરકાર એર ઈન્ડિયામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવા માગે છે. 1932માં સ્થપાયેલી એર ઈન્ડિયા 2007થી ખોટ કરી રહી છે. ભારતમાં ડોમેસ્ટિક વિમાનીમથકો ખાતે એર ઈન્ડિયાના 4,400 ડોમેસ્ટિક અને 1,800 ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ્સ છે તેમજ વિદેશમાંના એરપોર્ટ્સ ખાતે તેના 900 સ્લોટ્સ છે.