સેવિંગ એકાઉન્ટમાં ભારે ચાર્જ વસૂલતી SBI, PNB

નવી દિલ્હીઃ ઝીરો બેલેન્સ કે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટહોલ્ડર્સ માટે સારા સમાચાર નથી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેન્ક સહિત અનેક બેન્કોમાં ઝીરો બેલેન્સ કે બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ્સ (BSBDA) પર સર્વિસના બદલામાં વધુપડતા ચાર્જ વસૂલી રહી છે, એમ IIT બોમ્બે દ્વારા એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે SBI ચાર કરતાં વધુના દરેક (ઉપાડ)ના વ્યવહાર પર પ્રતિ વ્યવહાર રૂ. 17.70 ચાર્જ વસૂલી રહી છે, જેને વાજબી ના ઠેરવી શકાય. આ અભ્યાસમાં એ વાત પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો કે આ સર્વિસ ચાર્જ વસૂલવાના પરિણામ સ્વરૂપ SBIએ આશરે 12 કરોડ બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટહોલ્ડરો પાસેથી વર્ષ 2015-20ના સમયગાળામાં રૂ. 300 કરોડ કરતાં વધુની વસૂલાત કરી હતી.

દેશની બીજા ક્રમની જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્ક પાસે હાલ 3.9 કરોડ BSBD એકાઉન્ટ છે, બેન્કે આ જ સમયગાળામાં રૂ. 9.9 કરોડનો ચાર્જ વસૂલ કર્યો હતો. કેટલીક બેન્કોએ RBIના BSBDAના નિયમોનો વ્યવસ્થિત ઉલ્લંઘન કર્યો હતો. ખાસ કરીને SBI દ્વારા દરેક ઉપાડ વ્યવહાર (ડિજિટલ માધ્યમ) માટે રૂ. 17.70 ચાર્જ વસૂલ્યો હતો.

SBIએ આશરે 12 કરોડ BSBDAધારકો પાસેથી વર્ષ 2015-20ના સમયગાળામાં રૂ. 300 કરોડથી વધુની અયોગ્ય રીતે વસૂલાત કરી હતી, જેમાં વર્ષ 2018-19ના ગાળામાં રૂ. 72 કરોડની અને વર્ષ 2019-20 માટે રૂ. 158 કરોડ વસૂલાત કરી હતી, એમ IIT બોમ્બે પ્રોફેસર આશિષ દાસે કહ્યું હતું.