ગૂગલ ભારતમાં ડિજિટલાઈઝેશન માટે 75,000 કરોડનું મૂડીરોકાણ કરશે

નવી દિલ્હીઃ વૈશ્વિક જાયન્ટ ટેક્નોલોજી કંપની ગૂગલે ભારતમાં 10 અબજ ડોલર (75,000 કરોડ રૂપિયા)ના મૂડીરોકાણની ઘોષણા કરી છે. ગૂગલ દ્વારા આ મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી એ પહેલાં કંપનીના CEO સુંદર પિચાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. ગૂગલે કહ્યું છે કે આ મૂડીરોકાણ વડા પ્રધાન મોદીના ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને પૂરું કરવામાં મદદ કરશે.

ગૂગલે એક નિવેદનમાં કહ્યું છે કે કોરોના વાઇરસ રોગચાળાની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ પગલું છે જે ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનના રૂપમાં ભારતની મુક્તપણાની નીતિ અને તેની પ્રત્યેના આકર્ષણને પ્રદર્શિત કરે છે.

ભારતમાં કંપની 75,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ

સુંદર પિચાઈએ કહ્યું છે કે ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડની ઘોષણા કરતાં મને આનંદ થાય છે.  એના માધ્યમથી અમે આગામી પાંચથી સાત વર્ષ દરમ્યાન ભારતમાં 75,000 કરોડ રૂપિયા (10 અબજ ડોલર)નું મૂડીરોકાણ કરીશું. અમે આ મૂડીરોકાણ ઈકોસિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટમાં ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરીશું.

ગૂગલ ફોર ઇન્ડિયા કાર્યક્રમમાં પિચાઈએ કહ્યું હતું કે મૂડીરોકાણનો આ નિર્ણય ભારતના ભવિષ્ય અને એની ડિજિટલ ઇકોનોમીમાં કંપનીનો વિશ્વાસ દર્શાવે છે.

પિચાઈએ જણાવ્યું હતું કે મૂડીરોકાણને ભારતના ડિજિટલીકરણના ચાર મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવશે. આમાં પ્રત્યેક ભારતીયને એની ભાષામાં માહિતીની પહોંચ પ્રદાન કરાશે, ભારતની વિશિષ્ટ જરૂરિયાતો માટે નવાં ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ, વેપારને સશક્ત બનાવવા અને આરોગ્યની દેખભાળ, શિક્ષણ અને કૃષિ જેવાં ક્ષેત્રોમાં સામાજિક ભલાઈ માટે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ ઉઠાવવો સામેલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]