અલવિદા 2023-24: સેન્સેક્સ, નિફ્ટીએ 20 ટકાથી વધુ વળતર આપ્યું

અમદાવાદઃ નાણાકીય વર્ષ 2023-24ની છેલ્લી વાયદા એક્સપાયરી આજે પૂરી થશે. આ વર્ષે બજારે નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. નિફ્ટી 27 ટકા વધ્યો છે, જ્યારે સેન્સેક્સ 24 ટકા વધ્યો છે, જ્યારે બેન્ક નિફ્ટીમાં 15 ટકા ગ્રોથ આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં બધા બ્લુ ચિપ શેરોએ શાનદાર વળતર આપ્યું છે અને કમસે કમ 35 ટકાથી માંડીને 140 ટકા સુધીનું વળતર આપ્યું છે.

ચાલુ  નાણાકીય વર્ષમાં બંને મુખ્ય ઇન્ડેક્સ- સેન્સેક્સ અને નિફ્ટી સૌપ્રથમ વાર 74,000 અને નિફ્ટી 22,500ને પાર થયા હતા. બજારમાં મિડકેપ 60 ટકા રિટર્ન આપ્યું છે તો સ્મોલકેપે 70 ટકા રિટર્ન આપ્યું છે. આ સાથે રિયલ્ટી ઇન્ડેક્સે 30 ટકા, PSEએ 101 ટકા, PSU બેન્કે 85 ટકા, પાવરે 85 ટકા, કેપિટલ ગુડ્સે 75 ટકા, ઓટોએ 75 ટકા, ફાર્માએ 60 ટકા અને મેટલે 50 ટકા વળતર આપ્યું છે.

નાણાકીય વર્ષમાં નિફ્ટી 50ના ચેમ્પિયન શેરોમાં –બજાજ ઓટો 140 ટકા, તાતા મોટર્સ 138 ટકા, અદાણી પોર્ટ 110 ટકા, કોલ ઇન્ડિયા 106 ટકા, હીરો મોટો 100 ટકા અને NTPC 95 ટકા વધ્યા હતા. આ સાથે મિડકેપમાં IRFC 450 ટકા, REC 300 ટકા, RVNL 285 ટકા, BHEL 240 ટકા, PFC 225 ટકા અને FACT 220  ટકા વધ્યા હતા. આ સાથે સ્લોકેપ શેરોમાં સુઝલોન 450 ટકા, હુડકો 350 ટકા, મેંગલોર રિફાઇનરી 330 ટકા, કોચિન શિપયાર્ડ 325 ટકા અને SJVN 300 ટકા વધ્યા છે.

આ વર્ષે 10 સુપરહિટ IPOએ નોંધપાત્ર વળતર આપ્યા છે, જેમાં IREDA 325 ટકા, સિગ્નેચર ગ્લોબલ 245 ટકા, નેટવેબ ટેક 225 ટકા, મોતીસન્સ જ્વેલર્સ 200 ટકા સાયન્ટ DLM 165 ટકા, આઝાદ એન્જિનિયરિંગ 150 ટકા, સેનકો ગોલ્ડ 145 ટકા, જ્યોતિ CNCએ 140 ટકા, BLS E- સર્વિસે 125 ટકા, મેનકાઇન્ડ ફાર્માએ 115 ટકા વળતર આપ્યું છે.