હાઇકોર્ટનો કોંગ્રેસને ઝટકોઃ ITની કાર્યવાહીની વિરુદ્ધની અરજી ફગાવી

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી કોંગ્રેસની અરજી ફગાવી દેવામાં આવી છે. દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા વસૂલી પ્રક્રિયાને પડકાર આપવામાં આવ્યો હતો. પાર્ટીએ સતત ત્રણ વર્ષો માટે આવકવેરા વિભાગની કર પુનર્મૂલ્યાંકનની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

કોંગ્રેસે 2014-15, 2015-16 અને 2016-17 માટે આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ રિ એસેસમેન્ટ પ્રોસિડિંગ્સની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ગયા મહિને કોંગ્રેસ નેતા અજય માકને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે પાર્ટીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં હતાં. યુવા કોંગ્રેસનાં બેન્ક ખાતાં પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં.

માકને કહ્યું હતું કે હાલ અમારી પાસે ખર્ચ કરવા માટે, વીજ બિલ ભરવા માટે અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી.આવકવેરા વિભાગે રૂ. 210 કરોડ રિકવરી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે IT ટ્રિબ્યુનલે બુધવાર સુધી ખાતાઓથી ફ્રીઝ દૂર કરી દીધું હતું.

આ પહેલાં કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના ત્રણે દિગ્ગજ નેતાઓ- મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં છે, જેને કારણે તેઓ ચૂંટણીપ્રચાર નથી કરી શકતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટીનાં બધાં એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. જોકોઈ પરિવારનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરશો તોએ ભૂખ્યો મરી જશે. એ કોંગ્રેસ પાર્ટીની સાથે કરવામાં આવ્યું છે, પણ કોઈ સંસ્થાએ, કોર્ટે, ચૂંટણી પંચે કે કોઈએ કશું કંઈ કહ્યું નથી. આજે અમે રેલવે ટિકિટ નથી ખરીદી શકતા. અમે અમારા નેતાઓને એક જગ્યાથી બીજી જગ્યાએ નથી મોકલી શકતા.