ક્ષમાઃ સજ્જનોનો શણગાર

એક ચાંપ દાબોને ઓરડામાં અજવાળું થઈ જાય એવા ચમત્કારિક વીજળી-બલ્બની શોધ કરવા અમેરિકાના વિજ્ઞાની થૉમસ આલ્વા એડિસને અથાક પરિશ્રમ કર્યો હતો. શોધ થયા બાદ એડિસનની લેબોરેટરીમાં એ અને એમની ટીમના સભ્યો સખત મહેનત કરીને ચોવીસ કલાકમાં એક બલ્બ બનાવતા.

એક મોડી રાતે મહામહેનતે એડિસન અને એમની ટીમે બલ્બ બનાવવાનું કામ પૂર્ણ કર્યું. હાશકારા સાથે એમણે એમના મદદનીશ, એક કિશોરને એ બલ્બ ઉપલા માળે મૂકી આવવા જણાવ્યું, પરંતુ પગથિયાં ચડતાં કિશોરના હાથમાંથી બલ્બ છટક્યો ને કાચના ચૂરેચૂરા થઈ ગયા. ટીમ આખી ગુસ્સે થઈ, પણ એડિસન સ્થિર હતા. તેમણે ફરીથી આખી ટીમને બલ્બ બનાવવામાં લગાડી દીધી. બીજો બલ્બ બનાવી એ જ કિશોરને બલ્બ લઈને ઉપર મોકલ્યો. સાચી ક્ષમાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

પૂજ્ય પ્રમુખસ્વામીના પૂરોગામી પૂજ્ય યોગીજી મહારાજ કહેતા કે ક્ષમા કરવાથી આપણા હૃદયમાં અખંડ શાંતિ રહે છે. ડૉ. અબ્દુલ કલામ સાહેબ જેમનો પૂર્ણ આદર કરતા એવા દક્ષિણ ભારતના મહાન સંત શ્રી તિરુવલ્લુવર કહે છે કે વેર વાળ્યાનો આનંદ તો એક દિવસ ટકશે, પણ ક્ષમા કર્યાનું ગૌરવ સદાકાળ ટકે છે. ક્ષમાનો ગુણ તો સજ્જનોનો શણગાર અને સાધુતાનો શિરમોર સદગુણ છે.

રામચંદ્ર ભગવાનના વનવાસ માટે કૈકેયી કારણ હતાં, પરંતુ એ વનવાસ પૂરો કરી, લંકાવિજય કરી અયોધ્યા પાછા પધાર્યા ત્યારે તેમના સ્વાગત માટે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ઉપસ્થિત હતાં. રામચંદ્ર ભગવાન સૌપ્રથમ કૈકેયીને પગે પડ્યા. કૈકેયી જરા ક્ષોભ પામી ગયાં ત્યારે શ્રીરામે કહ્યું: ‘માતા, ક્ષોભ પામશો નહીં. તમે મને વનવાસ આપવામાં કેવળ નિમિત્ત થયાં. ખરેખર તો તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. એમાંથી મને કેટકેટલું જાણવાનું મળ્યું.’

ખરેખર, ક્ષમા તો મોટાની મોટાઈ છે. પથ્થર મારનારને આંબાનું વૃક્ષ હંમેશાં સામે કેરીનું મધુર ફ્ળ આપે છે; પોતાને સળગાવનાર અગરબત્તી બીજાને હંમેશાં સુવાસ આપે છે; ચંદનના વૃક્ષ પર કુહાડીનો ઘા કરવા છતાં વૃક્ષ કુહાડીના ફળામાં સુગંધ ભરી દે છે.

પ્રમુખસ્વામી મહારાજનું જીવન ક્ષમાધર્મના ચરમશિખર સમું હતું. સ્વામીશ્રીની ક્ષમાભાવનાએ અનેક લોકોને પ્રેરણા આપી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ.પી.જે. કલામે પોતાના પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’માં સ્વામીશ્રીની ક્ષમાભાવનાથી પોતાને મળેલી પ્રેરણાઓ પર આખું પ્રકરણ આલેખ્યું છે. એ પ્રકરણના અંતે તેઓ લખે છે, “સૌને પોતાના હૃદયમાં સ્થાન આપી શકે અને ક્ષમા આપી શકે એવું વિશાળ પ્રમુખસ્વામી મહારાજનું હૃદય છે.”

જ્ઞાની પુરુષોને ક્ષમા સહજ હોય છે અને એ પણ સત્ય છે કે ક્ષમાશીલતા જ સાચા જ્ઞાની પુરુષની ઓળખ છે. ક્ષમા કરવાથી અને માગવાથી વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો તૂટતાં બચે છે. જીવનમાં સુખ અને શાંતિનો આધાર બની રહે છે. ક્ષમાના આટલા લાભ હોવા છતાં ધન-સત્તા-પ્રતિષ્ઠા કે સામર્થ્યનું અભિમાન વ્યક્તિને ક્ષમાનું પગલું ભરવામાં સ્પીડબ્રેકર બનીને આવે છે.

માન-અભિમાનને બાજુએ મૂકી મહાન માણસોએ પોતાના આચરણ દ્વારા શીખવેલો ક્ષમા ગુણનો પાઠ આપણે જીવનમાં ઉતારીએ, દિલથી ક્ષમા આપીને જૂનાં વેર અને વિખવાદનો અંત લાવીએ,  જેથી માનવીના માનવીના સાથેના સંબંધો સદાય પ્રેમથી પલ્લવિત રહે અને હૃદયમાં શાંતિ વર્તે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)