અમદાવાદઃ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં તેજી અને બેન્કિંગ શેરો સહિત વિવિધ સેક્ટરના શેરોમાં લેવાલીને પગલે ઘરેલુ શેરબજાર 1.50 ટકાથી વધુ ઊછળીને બંધ થયું હતું. જેથી BSE સેન્સેક્સ 899.62 પોઇન્ટ ઊછળીને 59,808.97ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 272.45 પોઇન્ટ ઊછળીને 17,594.35ના મથાળે બંધ થયો હતો. બધા સેક્ટરના શેરોમાં તેજી સાથે બંધ થયા હતા.
અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં રૂ. 68,000 કરોડ વધી
અદાણી ગ્રુપના બધા શેરોમાં બીજી માર્ચથી લાવ-લાવ છે. એની સાથે ચોથા દિવસે સતત એના માર્કેટ કેપમાં વધારો થયો છે. આ ચાર દિવસોમાં અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ આશરે રૂ. 1.72 લાખ કરોડ વધી છે, એમાંથી રૂ. 68,430 કરોડનો વધારો માત્ર આજે થયો છે. અદાણી ગ્રુપના માર્કેટ કેપિટલાઇઝેશનમાં છેલ્લા સાત મહિનામાં એક ઓગસ્ટ, 2022 પછી કોઈ એક દિવસમાં આવેલો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. જેથી અદાણી ગ્રુપના બધા શેરોમાં શુક્રવારે પાંચથી 16 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઝીસમાં સૌથી વધુ તેજી થઈ હતી.
PSU બેન્ક ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી રહી હતી. નિફ્ટીમાં પાંચ મહિનાની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી છે. BSEના બધા સેક્ટોરલ ઇન્ડેક્સમાં તેજી થઈ હતી. PSU બેન્ક ઇન્ડેક્સમાં 18 મહિનાની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. મેટલ, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી થઈ હતી. એનર્જી, ઇન્ફ્રા અને FMCG ઇન્ડેક્સ એક ટકા તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50માંથી 43 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી 12માંથી 11 શેરોમાં તેજી થઈ હતી.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.41 લાખ કરોડનો વધારો
સેન્સેક્સ 900 પોઇન્ટ બંધ થયો હતો. નિફ્ટી 17,500ના સ્તરને પાર થયો હતો. મિડેકપ અને સ્મોલકેપમાં પણ તેજી સાથે બંધ થયા હતા. જેથી રોકાણકારોની સંપત્તિમાં આજે આશરે 3.41 લાખ કરોડનો વધારો થયો હતો.