નવી દિલ્હીઃ દેશમાં આશરે છેલ્લાં બે વર્ષથી કોરોના રોગચાળાને લીધે તહેવારો અને લગ્નો ફિક્કાં પડ્યાં હતાં, પણ કોરોના સામે દેશમાં રસીકરણ વધતાં અને લોકોમાં ફેલાયેલો રોગચાળા સામે ડર ઓછો થતાં આ વર્ષે તહેવારો અને લગ્નસરાની પિક સીઝનને જોતાં દેશમાં સોનાની માગ ડિસેમ્બરમાં 10 વર્ષની ટોચે પહોંચે એવી શક્યતા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના રિજનલ CEO (ઇન્ડિયા) સોમાસુંદરમ પીઆરે કહ્યું હતું કે તહેવારો અને લગ્નસરામાં ઘરેણાંની માગને પૂરી કરવા માટે ઝવેરીઓએ સોનાની વધુ આયાત કરી છે.
આ સિવાય વિદેશમાં પણ સોનાની ખરીદી સંભાવના હકારાત્મક બની છે. ડિસેમ્બર ત્રિમાસિક 10 વર્ષમાં સૌથી પ્રોત્સાહક રહેવાનો અંદાજ છે. સોનાની ઊંચા આયાત ડ્યુટી છતાં ભારતે 2016-2020ની વચ્ચે કુલ માગના 86 ટકા સોનાની આયાત કરી હતી. 2012માં સૌપ્રથમ વાર આયાત ડ્યુટી વધારવામાં આવ્યું હતું. ત્યાર બાદ કુલ 6581 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જે પ્રતિ વર્ષ સરેરાશ 730 ટન છે.
સોનાના ઓછી ડ્યુટીને કારણે પીળી ધાતુમાં અશુદ્ધ સોનાનો હિસ્સો વધીને 18 ટકા વધ્યો છે. 2014માં કુલ આયાતમાં અશુદ્ધ સોનાનો હિસ્સો 11 ટકા હતો, જે 2020માં 29 ટકાએ પહોંચ્યો હતો. છેલ્લાં આઠ વર્ષમાં રિફાઇનરીઓની સંખ્યા ઝડપથી વધી હતી.
વિશ્વના બીજા સૌથી મોટા બજાર ભારતમાં પીળી ધાતુની માગ મુખ્યત્વે ઝવેરીઓ અને અશુદ્ધ સોનાની આયાત પર વધુ નિર્ભર છે. 2022માં સોનાની આયાત આ વર્ષની તુલનાઓએ મજબૂત રહેશે. સોનામાં વધેલી માગ અર્થતંત્રની તેજીને આભારી છે.