ટિકરપ્લાન્ટે લૉન્ચ કરી ક્રીપ્ટોવાયર સુપર ઍપ

મુંબઈઃ ટિકરપ્લાન્ટ લિમિટેડે ક્રીપ્ટોવાયર નામની સર્વિસ લૉન્ચ કરી છે, જેમાં ક્રીપ્ટોને લગતું જ્ઞાન, જાણકારી અને ડેટા પૂરાં પાડવામાં આવશે.

ટિકરપ્લાન્ટે જણાવ્યા મુજબ ક્રીપ્ટોવાયરની સુપર ઍપ વિકસાવવામાં આવી છે. તેમાં ક્રીપ્ટોકરન્સીના રિયલ ટાઇમ ભાવ, તેને લગતા સમાચાર અને સાથે સાથે ક્રીપ્ટો સંબંધી જ્ઞાન પૂરું પાડવા માટેની યુનિવર્સિટી અને ક્રીપ્ટો ટીવીનો સમાવેશ થાય છે.

ટિકરપ્લાન્ટે એ વાત પર ભાર મૂક્યો છે કે ક્રીપ્ટોવાયર ક્રીપ્ટોકરન્સી નથી અને ક્રીપ્ટોનું એક્સચેન્જ પણ નથી. ક્રીપ્ટો વિશે સર્વગ્રાહી તથા પૂર્વગ્રહ વગરનાં જ્ઞાન અને માહિતીના પ્રસાર માટે એ કામ કરશે.

ક્રીપ્ટોવાયર દ્વારા વિશ્વની પ્રથમ ઓનલાઇન વાયર સર્વિસમાં ક્રીપ્ટોકરન્સી, બ્લોકચેઇન, એસેટ ડિજિટાઇઝેશનને લગતી માહિતી અને ક્રીપ્ટોના ભાવ પૂરાં પાડવામાં આવશે. ક્રીપ્ટો યુનિવર્સિટીમાં ક્રીપ્ટોકરન્સી અને બ્લોકચેઇન સંબંધિત પ્રાથમિક માહિતીથી લઈને પીએચ.ડી. કરવા સુધીના અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાશે. તેમાં વિશ્વની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ – એમઆઇટી, બેઝલ, આઇઆઇટીના અભ્યાસક્રમોનો પણ સમાવેશ થશે.

ક્રીપ્ટો ટીવી સપ્તાહના સાતે દિવસ ચોવીસે કલાક ચાલુ રહેશે, જેમાં ક્રીપ્ટો અને બ્લોકચેઇનની યુટ્યુબ ચૅનલ અને સ્માર્ટ મોબાઇલ આઇપીટીવી સામેલ છે. આ માધ્યમ દ્વારા પારદર્શક અને પૂર્વગ્રહરહિત સામગ્રી પ્રસ્તુત કરવામાં આવશે. વૈશ્વિક સ્તરની આ ક્ષેત્રની ઘટનાઓ, ચર્ચાઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, વગેરે બધું પણ ક્રીપ્ટો ટીવી પર રજૂ કરવામાં આવશે.