નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં અર્થવ્યવસ્થામાં છવાયેલી સુસ્તીની વાત થઈ રહી છે. જોકે, તમામ એજન્સીઓએ આશા વ્યક્ત કરી છે કે, આગામી નાણાકીય વર્ષથી સુધારો થવાનું શરુ થઈ જશે. આઈએમએફ એ વૈશ્વિક જીડીપી ગ્રોથ દરના અનુમાનને ઘટાડી દીધું છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે તમારા મનમાં એક સવાલ ચોક્કસ ઉઠતો હશે કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કેટલું મહત્વ ધરાવે છે અને અહીં સુસ્તી આવવાની અસર કેટલી દૂરગામી અને ગંભીર હોઈ શકે છે?
ભલે અર્થતંત્રના આકાર મામલે ભારત વિશ્વમાં સાતમાં નંબર પર હોય, પણ ગ્લોબલ ગ્રોથમાં યોગદાન મામલે દેશ ત્રીજા નંબર પર છે. 2018માં થયેલા સર્વે અનુસાર, ભારત, ચીન અને અમેરિકાનું ગ્લોબલ ગ્રોથમાં 56.90 ટકાનું યોગદાન છે. અંદાજે પાંચ દાયકા પહેલા 1970માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એન્જિન અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાંસ અને યુકે ગણાતું. એ સમયે આ રાષ્ટ્રોનું કુલ યોગદાન અંદાજે 46.40 ટકા હતુ.
વૈશ્વિક ગ્રોથમાં ચીનનું 27.90 ટકા, અમેરિકાનું 21.30 ટકા, અને ભારતનું 7.6 ટકા યોગદાન છે. 1970-71ની સરખામણીએ જર્મનીનું યોગદાન 3.3 ટકાથી ઘટીને 2.5 ટકા, ફ્રાંસનું 4.6 ટકાથી ઘટીને 2.1 ટકા, જાપાનનું 9 ટકાથી ઘટીને 2 ટકા અને યૂકેનું 2.5 ટકાથી ઘટીને 1.7 ટકા પર પહોંચી ગયું છે.
વૈશ્વિક જીડીપીમાં ભારતની ભાગીદારીની જો વાત કરીએ તો, છેલ્લા પાંચ દાયકામાં ચીન અને ભારતની ભાગીદારી વધી છે, જ્યારે અમેરિકા, જાપાન અને તમામ અન્ય દેશોની હિસ્સેદારી ઘટી છે. સરવે રિપોર્ટ અનુસાર, ગ્લોબલ જીડીપીમાં અમેરિકાની ભાગીદારી અત્યારે 23.9 ટકા છે, જે સૌથી વધુ છે, જોકે, 1970માં તેમનું કુલ શેરિંગ36.20 ટકા હતું.
ચીનનું શેરિંગ 3.1 ટકાથી વધીને 12.70 ટકા પર પહોંચી ગયું છે. ભારતનું શેરિંગ 2.1 ટકાથી વધીને 3.2 ટકા પર પહોંચ્યું છે. અન્ય વિકસિત અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ફ્રાંસનું શેરિંગ 3.2 ટકા, યૂકે 3.3 ટકા, જર્મની 4.6 ટકા અને જાપાન 5.8 ટકા.
વૈશ્વિક જીડીપીમાં ભાગીદારી મામલે ભારત ભલે સાતમાં નંબર પર હોય પણ ઈકોનોમિક કન્ટ્રીબ્યુશન મામલે તે ત્રીજા નબંર પર છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર પણ છે જેથી ભારતમાં મંદી અને તેજીની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળે છે.