મૂર્તિ અને તાતા: આદરનો આ સંબંધ જૂનો અને ગાઢ છે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ફોટો બીજા કોઈનો નહીં પણ દેશના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ રતન તાતા અને ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના છે.

મુંબઈમાં યોજાયેલી TiECon ઈવેન્ટમાં આ બંને દિગ્ગજો એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. ઓડિયન્સને એવું હતું કે બંને સાથે આવવાથી સ્ટેજ પર પાવર ટસલ જોવા મળશે પરંતુ સ્ટેજ પર જે થયું તે જોઈને બધાની નવાઈનો કોઈ પાર ન રહ્યો. આ ઈવેન્ટમાં નારાયણ મૂર્તિએ રતન તાતાને એવોર્ડ આપ્યો અને પછી ઝૂકીને તેમને પગે લાગીને માન આપ્યું. રતન તાતાએ પણ આ ક્ષણ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

82 વર્ષના રતન તાતા ભારતના સૌથી દિગ્ગજ બિઝનેસ ટાયકૂન છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે એકાઉન્ટ બનાવ્યા બાદ તે સોશિયલ મીડિયાના પણ પ્રિય બની ગયા છે. તેમણે તાજેતરમાં જ તેમના યુવાનીનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટો જોઈને લોકોએ કહ્યું હતું કે તે કોઈ હોલિવુડ સ્ટારથી કમ નથી લાગતા. આ જ રીતે 73 વર્ષના ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ પણ શિસ્ત અને વિનમ્રતા માટે આખા દેશમાં જાણીતા છે.

આ ઘટનાના ફોટા ટ્વીટર પર વાયરલ થયા હતા. નારાયણ મૂર્તિએ બધાના દિલ જીતી લીધા. આ ખરેખર વિનમ્રતાની એક નિશાની છે. જ્યારે બે સરખેસરખા કદ ધરાવતા લોકો સાથે આવે અને એકબીજા માટે માન-સન્માન દર્શાવે તે ખરેખર લોકો માટે ઉમદા દાખલો બેસાડે છે.

તમને જણાવી દઈએ કે ટાટા પરિવાર અને મૂર્તિ પરિવાર વચ્ચે ઓળખ આજકાલની નહિ પરંતુ એ સમયની છે જ્યારે ટાટા ગૃપના ચેરમેન જેઆરડી તાતા હતા અને ઈન્ફોસિસની સ્થાપના પણ નહતી થઈ. ઈન્ફોસિસની સ્થાપના 1981માં થઈ હતી. નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિની પહેલી નોકરી ટાટા મોટર્સમાં જ લાગી હતી. તે ટાટા મોટર્સના પહેલા મહિલા એન્જિનિયર હતા.