આજે સંસદમાં રજૂ થશે એ આર્થિક સર્વે છે શું?

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ કરાયાના એક દિવસ પહેલા એટલે કે આજે નાણાકીય વર્ષ 2019-20ની આર્થિક સમીક્ષા એટલે કે, ઈકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવશે. આર્થિક સર્વેથી દેશની અર્થવ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી મળે છે. આર્થિક સર્વે ભારતીય ઈકોનોમીની સ્થિતિ અને ભવિષ્યમાં જરૂરી એક્શનનું વિવરણ હોય છે. આજે આપણે જાણીએ આર્થિક સર્વે શું હોય છે અને તેને કોણ તૈયાર કરે છે?

આર્થિક સમીક્ષા ભારતીય અર્થવ્યવસ્થાની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોય છે. સમાન્ય રીતે સરકારના મુખ્ય આર્થિક સલાહકારની આગેવાની વાળી સમિતિ આર્થિક સમીક્ષા તૈયાર કરે છે. આ દસ્તાવેજમાં દેશની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ હોય છે. આ દસ્તાવેજ ત્રણ ખંડમાં હોય છે. જેમાં વોલ્યૂમ 1, વોલ્યૂમ 2 અને સ્ટેટિસ્ટિકલ અપેન્ડિક્સ હોય છે.

દર વર્ષે રજૂ કરવામાં આવતા આર્થિક સર્વેને દેશના મુખ્ય આર્થિક સલાહકારની આગેવાનીવાળી એક ટીમ તૈયાર કરે છે. આર્થિક સમીક્ષા દેશના મુખ્ય આર્થિક સલાહકારની દ્રષ્ટિ અને ભવિષ્યમાં અર્થતંત્ર અંગે સરકારના વલણને દર્શાવે છે. જૂન 2018 માં અરવિંદ સુબ્રમણ્યમે મુખ્ય આર્થિક સલાહકાર પદેથી રાજીનામું આપ્યા બાદ આ પદ લગભગ છ મહિના સુધી ખાલી હતું. એ પછી, નરેન્દ્ર મોદી સરકારે હૈદરાબાદની ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની નિમણૂક કરી હતી. આ બીજી વાર છે જ્યારે તેમના નેતૃત્વ હેઠળ આર્થિક સર્વે તૈયાર કરવામાં આવ્યો.

ફાઈલ ફોટો

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની લિંક્ડિન પ્રોફાઇલ મુજબ, તેણે આઈઆઈટી કાનપુરથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું, ત્યારબાદ તેણે કોલકાતાના આઈઆઈએમમાંથી પીજીડીએમ કર્યું હતું. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે.