આર્થિક સર્વેમાં જીડીપી અનુમાન 6 થી 6.5 ટકા

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે આપ્યો છે. આમાં વર્ષ 2020-21 માટે જીડીપીનું અનુમાન 6 થી 6.5 ટકા આંકવામાં આવ્યું છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર પાંચ ટકા રહેવાનો અંદાજ છે. સાથે જ આર્થિક વૃદ્ધિને તેજ કરવા માટે ચાલુ નાણાકીય વર્ષના રાજકોષીય ખાદ લક્ષ્યમાં ઢીલ આપવી પડી શકે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશમાં વ્યવસાય કરવાને સરળ બનાવવા માટે અને સુધારો કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સર્વે અનુસાર સરકારને ચૂંટણીમાં મળેલા જનાદેશનો ઉપયોગ કરતા આર્થિક સુધારની પ્રક્રિયાને તેજીથી આગળ વધારવી જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થા પર આંતરરાષ્ટ્રીય સ્તર પર જો મંદી છે તેની ખરાબ અસર પડી છે. આ વર્ષના પહેલા બે ત્રિમાસીક ગાળામાં આર્થિક વિકાસદરમાં ઘટાડો થયો છે પરંતુ વર્ષના બીજા ભાગમાં અર્થવ્યવસ્થામાં સુધારો આવવાની શક્યતાઓ રહેલી છે. આશા છે કે વર્ષ 2019-20 ના બીજા ભાગમાં અર્થવ્યવસ્થામાં સુધારો નોંધાશે. આ સાથે જ નવો વ્યાપાર શરુ કરવા, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, કર ચૂકવણી અને કરારોના અમલીકરણને સરળ કરવા માટે ઉપાયોની જરુરિયાત બતાવવામાં આવી છે. આર્થિક સમીક્ષામાં સરકારી બેંકોની સંચાલન વ્યવસ્થામાં સુધારો અને ભરોસો સ્થાપિત કરવા માટે વધારે સુચનાઓ સાર્વજનિક રુપે પ્રકાશિત કરવા પર જોર આપવા માટે કહેવામાં આવ્યું છે.

આર્થિક સર્વે અંતર્ગત દેશની આર્થિક સ્થિતિ વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવે છે. આખા વર્ષમાં દેશમાં વિકાસ ટ્રેન્ડ શું રહ્યો? કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું? કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો? કઈ યોજનાઓને કયા પ્રકારે અમલી બનાવાઈ? વગેરે જેવા તમામ મુદ્દાઓ પર આ સર્વેમાં માહિતી આપવામાં આવે છે. અર્થવ્યવસ્થા, પૂર્વાનુમાન અને નીતિગત સ્તર પર પડકારો સંબંધિત વિસ્તૃત સૂચનાઓનો પણ આમાં સમાવેશ થાય છે.

આમાં તમામ રાજ્યો કે ક્ષેત્રોની સ્થિતિની રુપરેખા અને સુધારાના ઉપાયો મામલે જણાવવામાં આવે છે. આ સર્વેક્ષણ ભવિષ્યમાં બનાવવામાં આવનારી નીતિઓ માટે એક દ્રષ્ટીકોણ પર કામ કરે છે. આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક સ્થિતિનો અરીસો હોય છે એટલા માટે આના દ્વારા આગામી બજેટમાં કયા ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે, આની એક ઝલક મળી જાય છે.