મુંબઈઃ રિયલ એસ્ટેટ ક્ષેત્રની ડીએલએફ (દિલ્હી લેન્ડ એન્ડ ફાઈનાન્સ) કંપનીના ચેરમેન રાજીવ સિંહ દેશના સૌથી ધનવાન રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ છે. એમની પાસે રૂ. 61,220 કરોડની સંપત્તિ છે. એમની પછીના નંબરે આવે છે મેક્રોટેક ડેવલપર્સના મંગલ પ્રભાત લોઢા અને પરિવાર. લોઢા પરિવાર અત્યાર સુધી પ્રથમ નંબરે હતો, પરંતુ હવે તે બીજા નંબર પર ઉતરી ગયો છે. ડીએલએફ લિમિટેડનું મુખ્યાલય હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે જ્યારે મંગલ પ્રભાત લોઢા મુંબઈના છે અને ભારતીય જનતા પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 2008માં જ્યારે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ડીએલએ તેની પ્રથમ ટાઈટલ સ્પોન્સર બની હતી. તેણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સાથે પાંચ વર્ષનો કરાર કર્યો હતો અને તેને એ માટે બે અબજ રૂપિયા ચૂકવ્યા હતા.
‘ગ્રોહે હુરુન ઈન્ડિયા રિયલ એસ્ટેટ રિચ લિસ્ટ’ની પાંચમી આવૃત્તિમાં દેશના રિયલ એસ્ટેટ સેક્ટરના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓના નામ દર્શાવવામાં આવ્યા છે. આ યાદી દરેક ટોચના ઉદ્યોગપતિઓની નેટ વર્થથી લઈને સંબંધિત રિયલ એસ્ટેટ બિઝનેસમાં એમની માલિકીસંપત્તિના આધારે તૈયાર કરવામાં આવી છે.
