ભારતે બોઈંગ-737-મેક્સ વિમાનો પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો

નવી દિલ્હીઃ સેવામાંથી હટાવી લીધાના બે વર્ષ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) રેગ્યૂલેટર એજન્સીએ બોઈંગ કંપનીના 737 મેક્સ વિમાનોની કમર્શિયલ ફ્લાઈટ સેવાઓ પરનો પ્રતિબંધ આજે ઉઠાવી લીધો છે. 2019ની 10 માર્ચે એડીસ અબાબા શહેર નજીક ઈથિયોપિયન એરલાઈન્સનું 737 મેક્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ એ વર્ષની 13 માર્ચે ભારતે આ વિમાનોની સેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તે દુર્ઘટનામાં 157 મૃત્યુ પામ્યા હતા જેમાં ચાર ભારતીય પણ હતા. તે પહેલાં, 2018ના ઓક્ટોબરમાં લાયન એરની બોઈંગ 737 મેક્સ ફ્લાઈટ પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 180 જણ માર્યા ગયા હતા.

ડીજીસીએ તરફથી જણાવાયું છે કે બોઈંગ કંપની દ્વારા 737 મેક્સ વિમાનોમાં સલામતીને લગતી જરૂરિયાતો પૂરી પાડવામાં આવ્યાનો સંતોષ થયા બાદ તેને ફરી સેવામાં ઉતારવાનો નિર્ણય લેવાયો છે. બોઈંગ કંપની 2019ના માર્ચથી તેના 737 મેક્સ વિમાનોમાં સતત સુધારા કર્યા છે. ભારતમાં હાલ માત્ર સ્પાઈસજેટ એરલાઈન પાસે જ 12 બોઈંગ 737 મેક્સ વિમાન છે, જે તેણે 2019ના માર્ચથી સેવામાંથી હટાવી લેવા પડ્યા હતા.