ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન

મુંબઈઃ શાપુરજી પલોનજી ગ્રુપના ટોચના ઉદ્યોગપતિ સાઈરસ પી. મિસ્ત્રીનું પડોશના પાલઘર શહેર નજીક આજે એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. એ 54 વર્ષના હતા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રી મર્સીડિસ કારમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે પાલઘર જિલ્લામાં એમના ડ્રાઈવરે એક ડિવાઈડર સાથે કારને અથડાવી મારતાં મિસ્ત્રીનું મરણ નિપજ્યું હતું. આ અકસ્માત આજે બપોરે લગભગ 3.15 વાગ્યે સૂર્યા નદી પરના બ્રિજ પર થયો હતો, એમ પાલઘર જિલ્લા પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ બાલાસાહેબ પાટીલે કહ્યું હતું.

સાઈરસ મિસ્ત્રી 2012માં રતન ટાટાની જગ્યાએ ટાટા સન્સ કંપનીના ચેરમેન બન્યા હતા, પરંતુ 2016માં એમને તે પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. એમણે કોર્ટમાં દાવો કર્યો હતો, પણ 2021માં સુપ્રીમ કોર્ટે સાઈરસની હકાલપટ્ટીને કાયદેસર ગણાવી હતી. સાઈરસના ઉદ્યોગપતિ પિતા પલોનજી મિસ્ત્રીને ગયા જૂન મહિનામાં અવસાન થયું હતું. એ 93 વર્ષના હતા.

સાઈરસ મિસ્ત્રીના નિધનના સમાચાર જાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.