‘કેબીસી-14’: નવા એપિસોડમાં હોટસીટ પર મીરાબાઈ, નિખાત

મુંબઈઃ અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત લોકપ્રિય ક્વિઝ-આધારિત રિયાલિટી ટીવી શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી આવૃત્તિના નવા એપિસોડમાં કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગોલ્ડમેડલ જીતનાર અને 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર સૈખોમ મીરાબાઈ ચાનૂ અને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બોક્સર નિખાત ઝરીનને હોટસીટ પર બેસીને ગેમ-શૉમાં ભાગ લેતી અને અમિતાભ સાથે મસ્તીમજાક કરતી જોવા મળશે.

મણીપુરના ઈમ્ફાલ શહેરમાં જન્મેલી અને હાલ 27 વર્ષની થયેલી મીરાબાઈ ચાનૂ એનાં જીવનમાં પોતાની પ્રેરણાત્મક વ્યક્તિઓ વિશે આ એપિસોડમાં વાત કરી છે. વેઈટલિફ્ટિંગ રમતમાં પોતે સેવેલાં સપનાંઓને સાકાર કરવામાં મણીપુરના કોચે કેવી શક્તિ પ્રદાન કરી હતી એ જણાવ્યું હતું. પોતે રોજ જંગલમાં જઈને લાકડા ભેગા કરતી હતી અને પછી મણીપુરના એનાં કોચે એને એક દિવસ જોયા પછી એને વજન ઉંચકવાની કેવી રીતે તાલીમ આપી હતી એ દિવસોની યાદ મીરાબાઈએ તાજી કરી હતી. મીરાએ કહ્યું કે ગામમાં એનાં ઘરથી તાલીમ કેન્દ્ર 24 કિ.મી. દૂર હતું. પરંતુ દરરોજ વહેલી સવારે એને ગામમાંથી લઈને તાલીમ કેન્દ્ર સુધી છોડી દેવામાં મદદરૂપ થનાર ગોપાંગ નામના એક ટ્રક ડ્રાઈવરને યાદ કરીને તેણે એનો આભાર માન્યો હતો અને કહ્યું કે એની મદદને કારણે પોતે તાલીમનો એકેય દિવસ ચૂકી નહોતી.

નિખાતે બોક્સિંગની રમતમાં અત્યાર સુધીમાં જેટલા મેડલ્સ જીત્યાં છે એ માટેનો શ્રેય એણે એનાં પિતા મોહમ્મદ જમીલ એહમદને આપ્યો છે. કહ્યું કે, મારાં તમામ મેડલ્સ માટે મારી કરતાં મારાં પિતા વધારે હકદાર છે, કારણ કે હું જે સમાજની છું એમાં મહિલાઓને પુરુષપ્રધાન રમતોમાં ભાગ લેવાની પરવાનગી નથી. તે છતાં હું રમતમાં નામના પ્રાપ્ત કરી શકી છું. બોક્સિંગમાં મને કારકિર્દી બનાવવામાં મદદરૂપ થવા માટે મારાં પિતાએ એમની નોકરી છોડી દીધી હતી.

‘કેબીસી-14’ સોની એન્ટરટેનમેન્ટ ટેલિવીઝન પર સોમવારથી શુક્રવાર રાતે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]