નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની આશંકાઓની વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારામને હાલમાં કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી માટે ઇન્કમટેક્સ એક્ટ, 1961માં કોઈ અલગથી કલમો કે જોગવાઈ નથી કરવામાં આવી, પણ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો અને એવી સેવાઓ આપતા અન્ય પ્લટફોર્મ દ્વારા થયેલી આવક પર આવકવેરા એક્ટના નિયમો મુજબ ટેક્સની આકારણી અને વસૂલાત કરવામાં આવશે.
આવકવેરાની હાલની કાયદાકીય જોગવાઈઓમાં સ્પષ્ટ રીતે અનુમાન કરવામાં આવ્યું છે કે કુલ આવક બધા સ્રોતોથી થયેલી આવક સામેલ થશે, એમ તેમણે જણાવ્યું હતું. સરકાર આગામી બજેટમાં ક્રિપ્ટોકરન્સીને ટેક્સજાળમાં લાવવા માટે ઇન્કમટેક્સના કાયદામાં સુધારો કરવાનું વિચારી રહી છે. ઓલરેડી કેટલાક રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાંથી થયેલી આવક પર કેપિટલ ગેઇન્સ ટેક્સ હેઠળ ટેક્સની ચુકવણી કરી રહ્યા છે.
સરકારનો ઇરાદો સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અને એના નિયમન માટે સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી બિલ, 2021 લાવવાનું છે. આ બિલ બધી ખાનગી ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાનું છે. જોકે કેટલાક અપવાદોમાં ક્રિપ્ટોકરન્સી અને એના ઉપયોગની ટેક્નિકને પ્રોત્સાહન આપશે. એ RBI દ્વારા ડિજિટલ કરન્સીના પ્રારંભ માટે એક માળખું પણ તૈયાર કરશે. હાલ દેશમાં ક્રિપ્ટોકરન્સી બિનનિયમનકારી છે.
હાલમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત છેતરપિંડીના આઠ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એમ સીતારામને કહ્યું હતું. રિઝર્વ બેન્કે ક્રિપ્ટોકરન્સી પર ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય કક્ષાના નાણાપ્રધાન જયંત ચૌધરીએ પણ રાજ્યસભાને જ ણાવ્યું હતું કે મધ્યસ્થ બેન્ક વર્ચ્યુઅલ કરન્સીના યુઝર્સ હોલ્ડર્સ અને ટ્રેડર્સને સાવધ કરે છે.