આજથી પાંચ ચીજવસ્તુ મોંઘી થઈ

મુંબઈઃ આજે નવા અંગ્રેજી મહિના ડિસેમ્બરનો પહેલો દિવસ છે અને આ મહિનો વર્ષ 2021નો છેલ્લો છે. પરંતુ સામાન્ય માનવી માટે નિરાશાજનક સમાચાર છે એ કે આજથી પાંચ ચીજવસ્તુ મોંઘી થશે. આમાં માચિસ અને એલપીજી ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે.

દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોના રીચાર્જ પ્લાન્સ આજથી મોંઘા થયા છે. જિયોના ગ્રાહકોએ આજથી પ્રીપેડ પ્લાન્સ માટે વધારે પૈસા ચૂકવવા પડશે. આ પ્લાન્સની કિંમતોમાં કંપનીએ 21 ટકા જેટલો વધારો કર્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું ક્રેડિટ કાર્ડ આજથી મોંઘું થયું છે. આજથી EMI લેવડદેવડ પર વધારે પૈસા ચૂકવવા પડશે, કારણ કે એસબીઆઈએ પોતાના ક્રેડિટ કાર્ડ પર આજથી ઈએમઆઈ લેવડદેવડ પર 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી લાગુ કરી છે. સાથોસાથ, ગ્રાહકોએ ટેક્સ પણ ચૂકવવો પડશે. આજથી ડીટીએચ (ડાયરેક્ટ-ટુ-હોમ) સેવા માટે પણ વધારે પૈસા ચૂકવવા પડશે, કારણ કે સ્ટાર પ્લસ, કલર્સ, સોની અને ઝી જેવી ચેનલોએ એમની કિંમતમાં 35 ટકાથી લઈને 50 ટકાનો વધારો કરી દીધો છે. તેથી ડીટીએચ કંપનીઓ એ ખર્ચ ગ્રાહકો પાસેથી વસુલ કરશે. પેટ્રોલિયમ કંપનીઓએ કમર્શિયલ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 100નો વધારો કર્યો છે. હવે આ સિલિન્ડર રૂ. 2,101માં મળશે. જોકે ઘરેલુ ઉપયોગ માટેના સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરાયો નથી. માચિસની કિંમતમાં 14 વર્ષ પછી વધારો કરાયો છે. માચિસની કિંમત ડબલ થઈ ગઈ છે. 2007માં ક માચિસની ડબ્બીની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયો કરાઈ હતી. હવે તે 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરાઈ છે.