ક્રિપ્ટોકરન્સીઓનું ભારતમાં કદાચ નિયમન થશે, પ્રતિબંધ નહીં-મૂકાય

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વિવાદાસ્પદ ક્રિપ્ટોકરન્સીઓને લખતા સૂચિત ખરડા મુદ્દે આજે એક મહત્ત્વનું અપડેટ કર્યું છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીઓ પર પ્રતિબંધ મૂકાશે એવી અફવાઓને એમણે રાજ્યસભામાં ફગાવી દીધી હતી. મોદી સરકાર ક્રિપ્ટો ખરડો સંસદમાં રજૂ કરશે એવી જાહેરાત થઈ છે ત્યારથી એવા અહેવાલો આવ્યા છે કે ભારત સરકાર દેશમાં ક્રિપ્ટોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા વિચારે છે. પરંતુ હવે નાણાં પ્રધાન સીતારામનનું નિવેદન તો એનાથી જુદું જ છે. એમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ક્રિપ્ટોકરન્સી અંગે એક નવો ખરડો – ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યૂલેશન ઓફ ઓફિશ્યલ ડિજિટલ કરન્સી બિલ, 2021 – રજૂ કરશે. કેન્દ્રીય પ્રધાનમંડળ એને મંજૂરી આપે એ પછી તેને સંસદમાં રજૂ કરાશે. ક્રિપ્ટોકરન્સી અંગેના અગાઉના ખરડામાં ફેરફારો કરવામાં આવ્યા છે.

ક્રિપ્ટો એક્સચેન્જીસ દ્વારા દર્શાવાતી જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાનો હાલ સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આવનારા દિવસોમાં ખરડો રજૂ થઈ જાય તે પછી આખરી નિર્ણય લેવામાં આવશે. ક્રિપ્ટોમાં મૂડીરોકાણ કરનારાઓને સીતારામને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ કરતી વખતે લોકોએ કાળજી રાખવી જોઈએ. ક્રિપ્ટોકરન્સીઓના ઉપયોગથી અનિચ્છનીય પ્રવૃત્તિઓ થવાનું જોખમ રહેલું છે અને સરકાર એની પર દેખરેખ રાખી રહી છે. અનેક સ્તરે એ વિશે ચર્ચા ચાલી રહી છે.