બજાર કડડભૂસ… સેન્સેક્સ 509 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 11300ની નીચે, ઈન્વેસ્ટરોના 2.11 લાખ કરોડ ડૂબ્યા

મુંબઈ – શેરબજારમાં આજે સતત બીજા દિવસે હાહાકાર મચી ગયો. રૂપિયાનું મૂલ્ય વધારે નબળું પડતાં, અમેરિકા-ચીન વચ્ચે વ્યાપાર-યુદ્ધ તીવ્ર થવાની આશંકા અને ગ્લોબલ માર્કેટમાં મિશ્ર સંકેતો વચ્ચે બીએસઈ બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 509 પોઈન્ટ તૂટીને 37,413.13નો બંધ રહ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી 150.60 પોઈન્ટ અથવા 1.32 ટકા ગબડીને 11,287.50નો બંધ રહ્યો છે. સેન્સેક્સે માત્ર બે જ દિવસમાં 1,000 પોઈન્ટ ગુમાવ્યા છે.

ગઈ બીજી ઓગસ્ટ બાદ આ બંને સૂચકાંકે સૌથી ખરાબ પછડાટ ખાધી છે.

રૂપિયામાં રીકવરી થતા અને ગ્લોબલ માર્કેટમાં મિશ્ર સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજાર તેજી સાથે ખૂલી હતી, પણ થોડીક જ વારમાં એણે તેજી ગુમાવી દીધી હતી. આમ, રૂપિયાના અવમૂલ્યને આજે ફરી બજારને તોડવાનું કામ કર્યું હતું. એક અંદાજ મુજબ, શેરબજારમાં આજના કડાકાને કારણે ઈન્વેસ્ટરોને રૂ. 2.11 લાખ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે બે દિવસમાં આ આંકડો 4.43 લાખ કરોડ થઈ ગયો છે.

ઈન્ટ્રા ડે સોદાઓમાં સેન્સેક્સે 37,361.2 સુધીનું ગોથું ખાધું હતું.

બીએસઈ મિડકેપ, સ્મોલકેપ શેરોની મોટા પાયે પીટાઈ થઈ ગઈ. તે અનુક્રમે 1.36 ટકા અને 1.37 ટકા તૂટ્યા છે. મિડકેપ ઈન્ડેક્સ દોઢ ટકો તૂટી 16,006.5 સ્તરે બંધ રહ્યો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 1.4 ટકા ઘટાડે 16,488 સ્તરે બંધ રહ્યો. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, FMCG તથા ટેલિકોમ શેરો 2 ટકા તૂટ્યા છે.

આજે ટાઈટન, ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ, ટાટા મોટર્સ, આઈટીસી જેવા દિગ્ગજ શેરો 4.3થી લઈને 3 ટકા જેટલા તૂટ્યા છે. જોકે કોલ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસીસ, એશિયન પેઈન્ટ્સ, લાભ સાથે બંધ રહ્યા.

યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાએ આજે નવું તળિયું જોયું. આજે રૂપિયાનો ભાવ 72.74 પ્રતિ ડોલર સુધી નીચે ઉતરી ગયો છે. સોમવારે રૂપિયો 72.57 પ્રતિ ડોલરનો બંધ રહ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]