તેલંગણામાં એસ.ટી. બસ ખાઈમાં પડતાં 52 જણનાં કરૂણ મરણ

0
1300

હૈદરાબાદ – તેલંગણા રાજ્યના જગતીયાલ જિલ્લામાં આજે સવારે એક એસ.ટી. બસ ખાઈમાં પડતાં 52 જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં 20થી વધુને ઈજા થઈ છે.

બસ ખીચોખીચ ભરાયેલી હતી.

બસ તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની હતી. સવારે લગભગ 11 વાગ્યે બસ હૈદરાબાદથી આશરે 190 કિ.મી. દૂર આવેલા કોંડાગટ્ટુ હિલ્સ પરના અંજનેયા સ્વામી મંદિરેથી પાછી ફરતી હતી ત્યારે કોંડાગટ્ટુ ઘાટ રોડ પરથી નીચે ખાઈમાં પડી હતી.

બસમાં 70થી વધુ પ્રવાસીઓ હતા. એક સ્પીડ બ્રેકર પર ડ્રાઈવર બસના સ્ટીયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો અને બસ ખાઈમાં ખાબકી હતી.

47 મૃતદેહોને જગતીયાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે પાંચ જણે કરીમનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

મૃતકોમાં ડ્રાઈવર બી. શ્રીનિવાસનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં 26 મહિલા અને 10 બાળકોનો સમાવેશ થાય છે.

મરણાંક હજી વધી શકે છે, કારણ કે અમુક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

મૃતકો જગતીયાલ અને પેડાપલ્લી જિલ્લાઓના રહેવાસી હતા.