‘અમૃતકાળમાં ઈન્વેસ્ટમેન્ટ્સનો ઉઠાવો લાભ’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં શુક્રવાર 15 ઓક્ટોબર, 2022ના રોજ નિષ્ણાત વક્તાઓએ ‘અમૃતકાળમાં ઈન્વેસ્ટમેન્ટ્સ’ વિષય પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું. કાંદિવલી ખાતે કાંદિવલી રીક્રિએશન ક્લબ ખાતે આયોજિત સેમિનારના મુદ્દા હતાઃ ભારત માટે આગામી ૨૫ વર્ષોનો સમયગાળો, ઈન્વેસ્ટરોએ કઈ રીતે આનો લાભ ઉઠાવવો જોઈએ?, તથા અમૃતકાળ માટે સંપત્તિની ફાળવણી.

આ વખતના સેમિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના રીટેલ સેલ્સ વિભાગના વડા ભવદીપ ભટ્ટ, વરિષ્ઠ આર્થિક પત્રકાર જયેશ ચિતલિયા તથા પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદી. જયેશ ચિતલિયાએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. સેમિનાર-વેબિનારનું ‘ચિત્રલેખા’ ફેસબુક પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

અમિત ત્રિવેદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આવતા 25 વર્ષનો અમૃતકાળ ભારત માટે સુવર્ણકાળ બને એ માટેના પરિબળો ભેગા થઈ રહ્યા છે. દુનિયા આખી તકલીફમાં છે, પરંતુ એમાં જો એક તેજસ્વી સ્પોટ હોય તો એ ભારત છે એવું આઈએમએફના વડા કહી ચૂક્યાં છે. આ અમૃતકાળ આપણા માટે સુવર્ણકાળ કેવી રીતે બની શકે? એવું દરેક જણ વિચારતું હશે. તો કહેવાનું એ કે, આપણા દેશની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે. બજારને આપણે કંઈ જ નથી કરી શકતા. એ વધ-ઘટ થયા કરશે. એણે ઢાળ ચડવાનો હશે તો એ ચડશે અને ઉતરવાનો હશે તો ઉતરશે. રોકાણકાર તરીકે આપણી બ્રેક આપણા હાથમાં છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ડિવિડન્ડ પ્લાનની એનએવી જુઓ અને ગ્રોથ પ્લાનની એનએવી જોઈ લો. બ્રિટનમાં આર્થિક કટોકટી ઊભી થાય કે પુટિન યૂક્રેન પર મિસાઈલ હુમલો કરે તો આપણે ઈન્વેસ્ટ કરેલા પૈસા ઉપાડી નહીં લેવાના, કારણ કે આ બધી ઘટનાઓ બનતી રહેવાની.

જયેશ ચિતલિયાએ યૂટ્યૂબ પર લોકોને જંગલી રમી રમાડતી કેટલીક ચેનલોનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે એ લોકો વ્યૂઅર્સને બહુ ઝડપથી કહી દેતા હોય છે કે આ રમત રમવામાં જોખમ રહેલું છે, આદત લાગી શકે છે. એવી જ રીતે, મ્યુચ્યુઅલ ફંડ પણ માર્કેટ રિસ્કને આધારિત છે એવું કહેવું પડે છે. ક્રિપ્ટોકરન્સી વિશે આરબીઆઈ અને સરકારે પણ કહી દીધું છે કે આમાં જોખમ છે. જોખમ બધી જ બાબતોમાં રહેતું હોય છે. શેરબજાર રૂપી ટ્રેન સફર કરતા હો તો શોર્ટ ટર્મને બદલે લોન્ગ ટર્મમાં બેસો તો જ મજા મળશે. ટોળાને ફોલો કરીશું તો ટોળું આપણને ક્યાંય પણ લઈ જશે. માર્કેટ તૂટે ત્યારે ગભરાઈ જવું ન જોઈએ. કરેક્શન ખરેખર તો ખરીદી માટેનો યોગ્ય સમય હોય છે. પરંતુ એ કરેક્શન કેટલું છે, કેવું છે અને કયા કારણસરનું છે તે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સમજવું પડે.

મ્યુચ્યુઅલ ફંડના કન્સેપ્ટને સરળ ભાષામાં સમજાવવાની એમનામાં જેમનામાં માસ્ટરી છે તે ભવદીપ ભટ્ટે કહ્યું કે, ઈન્વેસ્ટમેન્ટ્સમાં આપણે માટે ઘણી તકો રહેલી છે. માત્ર આવતો દસકો જ નહીં, પરંતુ આગામી આખી સદી જ ભારતની બની રહેશે. તેથી આપણે બહુ રસપ્રદ તબક્કામાં પ્રવેશ્યા છીએ. છેલ્લાં થોડાં વર્ષોમાં ફૂગાવાને ટાર્ગેટ બનાવવા માટે આરબીઆઈએ આર્થિક સુધારાને લગતા ઘણા પગલાં લીધાં છે. સ્ટોક માર્કેટ અર્થવ્યવસ્થાનું બેરોમીટર ગણાય છે. ભારતીય શેરબજાર લોકલ કરન્સીથી મજબૂત છે જ્યારે બીજા દેશોની શેરબજારો એ બાબતમાં સંઘર્ષ કરી રહી છે.

સેમિનાર-વેબિનારમાં હાજર રહેલાં કેટલાક શ્રોતાઓએ સવાલ મોકલ્યા હતા. જેના નિષ્ણાત વક્તાઓએ જવાબ આપ્યા હતા અને શ્રોતાઓ-ઈન્વેસ્ટરોને અધિક માર્ગદર્શન આપ્યું છે.

સેમિનાર-વેબિનારનો સંપૂર્ણ વીડિયો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

https://www.facebook.com/chitralekha.in/videos/505974401541093