CDSLમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા અઢી કરોડનો આંક વટાવી ગઈ

મુંબઈઃ દેશની સૌપ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ એક્ટિવ 2.5 કરોડ ડિમેટ ખાતાં ધરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. CDSLએ 1999માં કામગીરી શરૂ કરી એ પછી સપ્ટેમ્બર, 2015માં એક કરોડ ડિમેટ ખાતાં ધરાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને અત્યારે એક્ટિવ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 2.5 કરોડ પર પહોંચી છે. નોંધપાત્ર બિના એ છે કે પાંચ વર્ષથી ઓછા સમય ગાળામાં CDSL તેની પાસેનાં ડિમેટ ખાતાંની સંખ્યામાં દોઢ કરોડ ખાતાંનો વધારો કરી શકી છે.

આ પ્રસંગે CDSLના મેનેજિંગ ડિરેક્ટર નેહલ વોરાએ કહ્યું કે અમને આનંદ છે કે CDSL 2.50 કરોડ ખાતાં ધરાવનારી સૌપ્રથમ ડિપોઝિટરી બની છે. એશિયા-પેસિફિકમાં CDSL સૌપ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી છે, જે ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવેલા IFSC ખાતે કામગીરી શરૂ કરવામાં પણ સૌપ્રથમ રહી હતી.