G-20 દેશોમાં સૌથી ખરાબ સ્થિતિમાં ભારતીય અર્થતંત્રઃ IMF

નવી દિલ્હીઃ કોવિડ-19 રોગચાળા દરમ્યાન લોકડાઉનથી અર્થતંત્રની માઠી દશા થઈ છે. જેને લીધે દેશનો આર્થિક વિકાસ દર G-20 દેશોમાં સૌથી ઓછો રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે એક ટ્વીટ કર્યું છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં G-20ના સભ્ય દેશોના આર્થિક વિકાસ દરના આંકડા મૂક્યા છે. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે G-20ના સભ્ય દેશોમાં ભારતનો આર્થિક વિકાસ દર સૌથી ઓછો રહ્યો છે.

ગીતા ગોપીનાથે ગ્રાફ દ્વારા એપ્રિલથી જૂન, 2020 દરમ્યાન G-20 દેશોના GDP એટલે કે આર્થિક વિકાસ દરની તુલના કરી છે. આ ગ્રાફમાં સૌથી નીચે ભારતનું નામ છે. આ ગ્રાફમાં એપ્રિલથી જૂન દરમ્યાન લોકડાઉનવાળા સમયગાળામાં દેશનો આર્થિક વિકાસ દર -25.6 ટકા (નેગેટિવ) રહ્યો હતો, જ્યારે G-20ના સભ્ય દેશોમાં એકમાત્ર ચીન છે, જેનો આર્થિક વિકાસ દર પોઝિટિવ અને ડબલ ડિજિટ 12.3 ટકા રહ્યો હતો. અન્ય સભ્ય દેશોનો આ સમયગાળામાં આર્થિક વિકાસ દરના આંકડા જોઈએ તો અમેરિકાનો આર્થિક વિકાસ દર -9.1 ટકા, ઇટાલીનો -12.8 ટકા અને જાપાનનો -7.8 ટકા રહ્યો હતો.

ગીતા ગોપીનાથે ટ્વીટમાં લખ્યું હતું કે G-20 દેશોનો આર્થિક વિકાસ દર ઐતિહાસિક રીતે નીચે જઈ રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ પહેલા ત્રિમાસિક ગાળામાં ચીનનો આર્થિક વિકાસ દર બહુ ઘટ્યો હતો, પણ બીજા ત્રિમાસિક ગાળામાં એને શાનદાર રિકવરી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ત્રીજા ત્રિમાસિક ગાળામાં (ભારતના બીજા ત્રિમાસિકમાં) G-20 દેશોના આર્થિક વિકાસ દરમાં નીચલા સ્તરેથી બહુ સુધારો થશે. જોકે તેમ છતાં એ નેગેટિવ ઝોનમાં જ રહેશે.