TikTok આઉટ થતાં ફેસબુકે ભારતમાં લોન્ચ કરી ‘ઈન્સ્ટાગ્રામ રીલ્સ’

નવી દિલ્હીઃ ચીની TiKTok પર પ્રતિબંધ લાગતાં અને એની ગેરહાજરીમાં તકનો લાભ લેવા માટે ફેસબુકે લાખો ભારતીયોને પોતાની રચનાત્મકતાને દર્શાવવા માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે શોર્ટ વિડિયો બનાવતી એપ ઇન્સ્ટાગ્રામ રીલ્સને લોન્ચ કરી છે. આ રીલ્સ ટેબ એક નવી ટેબ છે, જે ઇન્સ્ટાગ્રામમાં એક્સપ્લોર ટેબની જગ્યા લેશે. રીલ્સ એક નવાં ક્રિયેટિવ ટૂલ્સ સાથેનો 15 સેકન્ડનો મલ્ટી ક્લિપ વિડિયો-ઓડિયો રેકોર્ડ કરી શકે છે અને એને એડિટ પણ કરી શકે છે.

ફોટો શેરિંગ પ્લેટફોર્મે આ મહિનાના પ્રારંભે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનું ટેસ્ટિંગ કર્યું હતું. અમે ભારતમાં આ ટેસ્ટનું દેશના મોટા ભાગના વિસ્તારોમાં વિસ્તરણ કરી રહ્યા છીએ. ભારત પ્રથમ બજાર છે, જ્યાં અમે જોયું છે કે ભારતીયોની રસરુચિ અને ક્રિયેટિવિટીને કારણે એને લોન્ચ કરી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે આ ટેબ લોકો માટે રીલ્સ જોવું અને આનંદ લેવો સરળ બનાવી દેશે, એમ ફેસબુક ઇન્ડિયાના ભાગીદારીના વડા અને ડિરેક્ટર મનીષ ચોપડાએ કહ્યું હતું.

આ ટેબ રીલ્સને દર્શાવશે અને એક લાંબો ઓટો પ્લેઇંગ વિડિયો હશે. એમાં એન્ટ્રી પોઇન્ટે રીલ્સ કેમેરા ખૂલશે અને ડિફોલ્ટ રૂપે ટોગલ પર ઓન-ઓફ્ફ કરવા માટે એક ધ્વનિ હશે, એમ ઇન્સ્ટાગ્રામે કહ્યું હતું.

ઇન્સ્ટાગ્રામમાં તમારી ફીડની જમણી બાજુએ એક્સપ્લોર ટેબ એક્સેસ કરી શકાશે. ડેડિકેટેડ રીલ્સ ટેબ લોકોને નવા ક્રિયેટર્સ શોધવા સહાય કરશે.

TikTokના ગયા પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ યુવા ભારતીયો માટે સૌથી લોકપ્રિય એપ્લિકેશન બની હતી, કેમ કે 10માંથી સાત (18-29 વયજૂથના) જણે કહ્યું હતું કે તેમને વિડિયો શેરિંગના પ્લેટફોર્મ તરીકે રીલ્સનો ઉપયોગ કરવાનું ગમશે. આશરે બે તૃતીયાંશ શહેરી ભારતીયો (65 ટકા)ઓએ જણાવ્યું હતું કે તેઓ વિડિયો એપ્સના વિકલ્પ તરફ વળશે, જે ભારતીય હોય અને બિન ચાઇનીઝ મૂળની હોય, એમ ઇન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ કંપની YouGov દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા જણાવે છે.

આશરે 68 ટકા TikTokના વપરાશકર્તાઓએ કહ્યું હતું કે તેઓ વિડિયો શેરિંગ એપ્લિકેશન્સના ભારતીય અથવા બિન ચાઇનીઝ વર્ઝન પર સ્વિચઓવર કરે એવી શક્યતા છે.

હાલમાં વિકલ્પોની યાદી રજૂ થતાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ભવિષ્યમાં લોકો વપરાશમાં લેવામાં આવતી સંભવિત એપ્લિકેશનોની યાદીમાં ટોચ પર છે. અમેરિકામાં TIKTok બિઝનેસની આસપાસ અનિશ્ચિતતા વચ્ચે ફેસબુકે ગયા મહિને અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ રજૂ કરી હતી. રીલ્સ એક વારમાં વિડિયો ક્લિપ્સની સિરીઝમાં રેકોર્ડ કરી શકે છે અથવા તમારી ગેલેરીમાંથી વિડિયો અપલોડ કરી શકે છે.