ઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધતા ઈ-કોમર્સ વેપાર ઓનલાઇન શોપિંગની સામે કોન્ફેડરેશન ઓફ ઓલ  ઇન્ડિયા ટ્રેડર્સ –CAITએ 14 જૂન, 2021થી 21 જૂન, 2021 સુધી દેશભરમાં ઈ-કોમર્સ શુદ્ધીકરણ ઝુંબેશ ચલાવવાની ઘોષણા કરી છે. દેશનાં બધાં રાજ્યોનાં વેપારી સંસ્થાએ આ ઝુંબેશને દેશભરમાં આક્રમકરૂપે ચલાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં પાંચ વર્ષોથી વધુ સમયથી જે પ્રકારે એમેઝોન, વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ અને વિદેશી ફંન્ડિગથી ચાલનારી અન્ય ઈ-કોમર્સ કંપનીઓએ ભારતના ઈ-કોમર્સ જ નહીં, બલકે રિટેલ વેપાર પર કબજો જમાવવાના ચક્કરમાં દેશના ઈ-કોમર્સ વેપારને ઝેરીલું કરી દીધું છે.  

કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે ઈ-કોમર્સ શુદ્ધીકરણ ઝુંબેશ દરમ્યાન દેશભરમાં વેપારી સંગઠનો 16 જૂને દેશનાં બધાં રાજ્યોના વિવિધ જિલ્લામાં જિલ્લા ક્લેક્ટરનો વડા પ્રધાનને નામે એક મેમોરેન્ડમ આપશે.  બીજી બાજુ આ સપ્તાહે રાજ્યોમાં મુખ્ય પ્રધાનો અને નાણાપ્રધાનોને વેપારી પ્રતિનિધિ મંડળ મળશે તથા એક મેમોરેન્ડમ આપીને રાજ્યોમાં ઈ-કોમર્સ દ્વારા થનારા વેપાર પર એક નિગરાની તંત્રની રચના કરવાની માગ કરવામાં આવશે. દેશભરના વેપારી સંગઠન વડા પ્રધાન મોદી, વેપારપ્રધાન પીયૂષ ગોયલને ઈ-મેઇલ દ્વારા મેમોરેન્ડમ મોકલીને CCI દ્વારા એમેઝોન અને ફ્લિપકાર્ટના વેપારી માળખાની તરત તપાસ કરવા તથા કેન્દ્રીય સ્તરે એક દેખરેખ તંત્રની રચના કરવાનો આગ્રહ કરવામાં આવશે.

દેશમાં છેલ્લા એક વર્ષમાં ઈ-કોમર્સ વેપારમાં 36 ટકાનો વધારો થયો છે, જેમાં ખાસ કરીને પર્સનલ કેર, બ્યુટી અને વેલનેસ વેપાર, કરિયાણું FMCG ઉત્પાદનમાં 70 ટકા તથા ઇલેક્ટ્રોનિક્સમાં 27 ટકાથી વધારોનો વધારો નોંધાયો છે.