બજેટ 2023:  હું મધ્યમ વર્ગની છું, તેમની મુશ્કેલીઓને સમજું છું: સીતારામન

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગની મુશ્કેલીઓને સારી રીતે સમજે છે. તેમણે યાદ અપાવ્યું હતું કે હાલની સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો ટેક્સ નથી લગાવ્યો. લોકો એ વાતની અપેક્ષા કરી રહ્યા છે કે નાણાપ્રધાન આગામી બજેટમાં ઇન્કમ ટેક્સની મર્યાદા વધારી શકે છે અને મધ્યમ વર્ગને- ટેક્સપેયર્સ સહિત અન્ય રાહત આપી શકે છે.

તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું પણ મધ્યમ વર્ગમાંથી આવું છું, જેથી હું મધ્યમ વર્ગની હાડમારીને સમજું છું. હું બહુ સારી રીતે મધ્યમ વર્ગને સમજું છું, કેમ કે હું પોતે મધ્યમ વર્ગની છું. તેમણે કહ્યું હતું કે મોદી સરકારે મધ્યમ વર્ગ પર કોઈ કરવેરા નથી નાખ્યા. તેમણે કહ્યું હતું કે રૂ. પાંચ લાખ સુધીની આવકવાળાઓને ઇન્કમ ટેક્સના દાયરાની બહાર રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે સરકારે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્કના વિકાસ જેવા પગલાં લેવામાં આવ્યાં છે અને જીવનને સરળ બનાવવા માટે 100 સ્માર્ટ શહેરોનો વિકાસ કરી રહી છે. સરકાર મધ્યમ વર્ગ માટે ઘણુંબધું કામ કરી રહી છે અને આગળ પણ કામ કરવાનું જારી રાખશે.

તેમણે કહ્યું હતું કે સરકારે 2020થી દરેક બજેટમાં મૂડી ખર્ચને બજેટમાં વધાર્યો છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે પણ સરકારે મૂડી ખર્ચને બજેટમાં વધારીને રૂ. 7.5 લાખ કરોડ કરી દીધો છે, કેમ કે એની અસર વ્યાપક પડે છે.